BREAKING NEWS

જામનગર શહેર ભાજપ સંગઠનમાં ચાલી શકે નો-રીપીટ થીયરી

  • December 29, 2025 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્ર્વકર્માની ટીમ બની ગઇ છે, પ્રદેશના માળખામાં હાલારને સ્થાન મળ્યું છે, બીજી તરફ શહેર-જિલ્લાના સંગઠન માળખાને પણ પૂર્ણ કરવાની કવાયત તેજ બની છે અને ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી સહીતના કુલ ૨૧ હોદાઓ માટે જામનગરથી ૩-૩ નામની પેનલ મોકલી દેવામાં આવી છે અને હવે પ્રદેશ તરફથી હોદેદારોના નામની જાહેરાત થશે જેને લઇને ઉત્તેજના છવાયેલી  છે, કારણ કે શહેર ભાજપના સંગઠનમાં રહેવા માટે પણ પાછલા બારણે ભારે પડાપડી થાય છે અને બધા પોતપોતાની રીતે પુરી તાકાત લગાડે છે. મળતા સંકેતો મુજબ કદાચ નો-રીપીટ થીયરી ચાલી શકે. 


શહેર ભાજપના પ્રમુખ પદે બીનાબેન કોઠારીની સરપ્રાઇઝ જેવી તાજપોશી બાદ એ બાબતનો ઇન્તેજાર હતો કે, બીનાબેનની ટીમમાં કોનો-કોનો સમાવેશ કરવામાં આવે છે, જો કે કેટલાક કારણોને લઇને પ્રદેશથી આ વાત અટકી હતી, હવે તમામ રસ્તા ખુલી ગયા છે, નિયમ મુજબ ભાજપે સૌ પ્રથમ પ્રદેશ ભાજપના માળખાને પૂર્ણ કર્યુ છે અને હવે શહેર-જિલ્લાની સંગઠન પાંખોની રચના પર ઘ્યાન કેન્દ્રીત કર્યુ છે.


જામનગર શહેર ભાજપના ૮ ઉપપ્રમુખ, ૩ મહામંત્રી, ૮ મંત્રી, ૧ ખજાનચી અને ૧ કાર્યાલય મંત્રી જેવા કુલ ૨૧ હોદા માટે નિરીક્ષકો અને શહેર ભાજપ પ્રમુખ દ્વારા ૩-૩ નામની 

પેનલ બનાવીને મોકલી દેવામાં આવી છે, હવે જયારે પ્રદેશ તરફથી પટારો ખોલવામાં આવશે ત્યારે સામે આવી જશે કે, કોને-કોને સંગઠન માળખામાં સમાવવામાં આવ્યા છે. 


ભાજપ અત્યારે સાૌથી મોટો રાજકીય પક્ષ છે, લાંબા સમયથી સત્તા પર છે, ત્રિપલ એન્જીન સરકારો ચાલી રહી છે, પક્ષનો સુર્ય મઘ્યાહને તપી રહ્યો છે એટલે સ્વભાવીક રીતે ભાજપમાં જયારે હોદા લેવાની વાત આવે ત્યારે અનેક આંગળીઓ ઉંચી થાય છે અને આટલું જ નહીં આવી તમામ આંગળીઓ પોતાના બાવળામાં જેટલું બળ હોય તેનો ઉપયોગ કરી લે છે, કારણ કે ભાજપના કોઇપણ હોદા પર બેસવું એટલે વર્તમાન સંજોગોમાં અનેક રીતે ફાયદાકારક ગણી શકાય, આ સંગઠનના ટ્રેક પરથી જ રાજકીય ભવિષ્યના જોઇતા સ્ટેશનો આવે છે, એટલા માટે જ હોદાઓ માટે ઉપરથી ભલે ન દેખાય અંદર ખાને પુરેપુરી તાકાત લગાડવામાં આવે છે, એટલે રસપ્રદ બની રહેશે કે બીનાબેનની ટીમમાં કોને સ્થાન મળે છે, કોને નહીં.

​​​​​​​
જે રીતે પ્રદેશ ભાજપની જાહેર કરાયેલી નવી ટીમમાં જુના તમામની બાદબાકી કરવામાં આવી, તમામ નવા ચહેરાઓને તક આપવામાં આવી તેના પરથી એવા સંકેત મળે છે કે કદાચ શહેર જિલ્લાની સંગઠન પાંખમાં પણ ભારતીય જનતા પાર્ટી નો-રીપીટની થીયરી અપનાવી શકે છે અને જો આમ થશે તો તમામ ૨૧ હોદા પર ફ્રેશ ચહેરા આવી શકે છે. ​​​​​​​

ભાજપના ટોંચના નેતાઓ વચ્ચે અંદરખાને બળાબળના પારખા 

શહેર ભાજપ પ્રમુખ સિવાયની ટીમની રચના માટે ગતિવિધીઓ તેજ બની છે, સ્વભાવીક રીતે શહેર ભાજપ સંગઠનમાં સ્થાન પામવા માટેની આતુરતા બધામાં જોવા મળી રહી છે અને સુત્રોમાંથી તો ત્યાં સુધી જાળવા મળ્યું છે કે, શહેરના સંગઠનમાં પોતાના વફાદારોને સ્થાન અપાવા માટે ભાજપની ટોંચની નેતાગીરી વચ્ચે અંદરખાને પુરી તાકાત લગાડવામાં આવી રહી છે અને ગેમ તેમ કરીને પોતાના વફાદારને સેટ કરવા કોશીષ કરવામાં આવી રહી છે, જે રાજકારણમાં ગળાડુબ છે એ બધા જાણે કે, ભાજપની શહેર સંગઠનની પાંખમાં પોતાની પાંખો સેટ કરવા માટે કોની-કોની વચ્ચે અંદરખાને એક પ્રકારે રેસ લાગી છે અહીં જોવાનું એ પણ છે કે શહેર સંગઠનમાં કોણ પોતાના મનગમતાને ઘુસાડવામાં સફળ થાય છે. આના પરથી જે તે નેતાની ભાવી તાકાતના પણ સંકેતો મળી જશે. ​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application