રાજકોટ મહાપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના સૌથી વિશાળ એવા વોર્ડ નં.૧૧માં કામો થતા નહીં હોવા મુદ્દે ખુદ શાસક પક્ષ ભાજપના કોર્પોરેટરોએ બળાપો ઠાલવતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. શાસક પક્ષ ભાજપના નેતા લીલુબેન જાદવના વોર્ડમાંથી ફરી રાજકીય સળવળાટ શરૂ થયો છે. ખુદ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ બોલાવેલી મિટિંગમાં વોર્ડ નંબર ૧૧ના લીલુબેન જાદવ સહિતના કોર્પોરેટરો ગેરહાજર રહેતા મામલો ચર્ચાની એરણે ચડ્યો છે.
રાજકોટ શહેરમાં ચોમાસા બાદ તૂટી ગયેલા રોડ રસ્તા મુદ્દે કાગારોળ મચી જવા પામી છે અને તંત્ર દ્વારા પણ લોકરોષ ઠારવા માટે નિર્ણાયક પગલા લેવામાં આવી રહ્યા છે. છતા ૧૮ વોર્ડમાં એક સાથે તૂટેલા રોડ રસ્તાઓ સહિતના કામો સમયસર ન થતા હવે ભાજપના કોર્પોરેટરો પણ બળાપો વ્યકત કરવા લાગ્યા છે. જેમાં વોર્ડ નં.૧૧માં રોડ રસ્તા અને નવા કામો સમયસર ન થવાથી તાજેતરમાં થયેલા લોકઆંદોલનથી કંટાળી લોકોને શુ જવાબ આપવો તેવી મુંઝવણમાં મુકાઇ ગયેલા કોર્પોરેટરોએ વિરોધ શરૂ કરતા શનિવારે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ અને મનપાના પદાધિકારીઓ સહિતનાઓ વેસ્ટ ઝોન કચેરી ખાતે દોડી ગયા હતા અને કામ મુદ્દે અધિકારીઓ સાથે મેરેથોન મીટિંગ યોજાઇ છતાં આ મીટિંગમાં વોર્ડ નં.૧૧ના શાસક પક્ષના નેતા સહિતના કોર્પોરેટરો ગેરહાજર રહેતા ભારે ચર્ચા જાગી હતી.
વોર્ડ નં.૧૧માં હાલ અનેક સોસાયટીઓમાં હાઇરાઇઝ બિલ્ડિંગો બનવા લાગી છે. વોર્ડનો વ્યાપ વધતા રોડ રસ્તા સહિતના કામો કરવા જરૂરી બન્યા છે. તંત્ર દ્વારા વોર્ડ નં.૧૧ માટે અનેક રોડ રસ્તા સહિતના પ્રોજેકટ મંજૂર કર્યા છે. પરંતુ અગાઉ તૈયાર થયેલા રોડ રસ્તાઓ ચોમાસા દરમિયાન તૂટી જતા સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન સહિતાના કાર્યક્રમો આપ્યા હતા તેવી જ રીતે લોકોએ ચૂંટીને મોકલેલા પોતાના કોર્પોરેટરોને પણ અનેક વખત ફરિયાદો કરી હતી. છતા સમયસર કામ શરૂ થયા ન હતા. આ મુદ્દે કોર્પોરેટરોના સૂત્રો પાસથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ કોર્પોરેટરો દ્વારા મુકવામાં આવેલા કામો સમયસર મંજૂર થતા નથી તેવી જ રીત જે રોડ રસ્તાઓના કામો મંજૂર થયા હોય તેનુ ખાતમુહૂર્ત કરી કામ શરૂ થયા બાદ અટકાવી દેવામાં આવી રહ્યુ છે. જેનો મતલબ કે, કોર્પોરેટરોનુું કોર્પોરેશનમાં ઉપજતુ ન હોય લોકોને જવાબ દેવો ભારે પડી રહ્યો છે. આ પ્રકારનો વિરોધ વંટોળ લગભગ દરેક વોર્ડમાં જોવા મળી રહ્યો છે. પરંતુ વોર્ડ નં.૧૧માં લોકોના પ્રશ્નો હલ ન થતા હોય તેવી ફરિયાદોની સામે સતત પ્રજાના કામમાં વ્યસ્ત રહેતા કોર્પોરેટરોને હવે ભારે પડી રહી છે. જેના લીધે અંદરો અંદર અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ માસથી આ પ્રકારની ચર્ચાઓ ઉપર સુધી પહોંચતા શનિવારે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખે તમામ પદાધિકારીઓને વેસ્ટઝોન કચેરીએ બોલાવી લોકોના કામ અંગે ચર્ચા કરી ડે.કમિશનર સહિતનાઓને પણ આ મુદ્દે સૂચના આપી હતી. પરંતુ જે વોર્ડમાં વિરોધ થયો છે. તે વોર્ડના ચારેય કોર્પોરેટરો મીટિંગમાં હાજર ન રહેતા શહેરભરમાં આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application