લોકસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામે મોરચો માંડતા તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ રજૂ કરી છે. વિપક્ષી નેતાઓએ લોકસભાના નિયમ 94(સી)નો હવાલો આપી સ્પીકરને પદમુક્ત કરવાની માંગ સાથે લોકસભાના મહાસચિવને આ નોટિસ સોંપી છે.
આ દરખાસ્ત પર કોંગ્રેસ, સપા, ડાબેરી પક્ષો અને આરજેડી સહિતના કુલ 118 સાંસદોએ સહી કરી છે. જોકે, તૃણમૂલ કોંગ્રેસના સભ્યો સહી કરવાથી દુર રહ્યા હતા, જે વિપક્ષી ગઠબંધનમાં આંતરિક મતભેદ હોવાના સંકેત આપે છે.
હોબાળા વચ્ચે, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ હાથ જોડીને વિપક્ષી સાંસદોને બજેટ પર ચર્ચા થવા દેવા વિનંતી કરી. આનાથી આપણા બધાને નુકસાન થઈ રહ્યું છે. તમે દરરોજ આવીને હોબાળો મચાવો છો. આના કારણે કામ થઈ રહ્યું નથી.
સંસદના નિયમો મુજબ, સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવા માટે ઓછામાં ઓછા 50 સાંસદોનું સમર્થન જરૂરી હોય છે અને નોટિસ આપ્યાના 14 દિવસ બાદ તેના પર ચર્ચા હાથ ધરવામાં આવે છે. જ્યારે આ પ્રસ્તાવ વિચારાધીન હોય, ત્યારે સ્પીકર પોતે ગૃહનું સંચાલન કરી શકતા નથી.
અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થવો અત્યંત મુશ્કેલ
આંકડાકીય દ્રષ્ટિએ જોતા ઓમ બિરલા વિરુદ્ધનો આ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થવો અત્યંત મુશ્કેલ જણાય છે. ભલે વિપક્ષ પાસે 220થી વધુ સાંસદોનું સંખ્યાબળ હોય અને તેઓ પ્રસ્તાવ લાવી શકે તેમ હોય, પરંતુ લોકસભામાં પ્રસ્તાવને અંતિમ મંજૂરી આપવા માટે બહુમતીની જરૂર પડે છે. હાલમાં ગૃહમાં એનડીએ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી વિપક્ષ માટે આ પ્રસ્તાવને સફળ બનાવવો એક મોટો પડકાર છે. તેમ છતાં, વિપક્ષના આ પગલાએ બ્રિટિશ સંસદીય પ્રણાલીની જેમ ભારતીય રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે.
ત્રણ વખત કાર્યવાહી સ્થગિત કરવી પડી
બજેટ સત્રના 10મા દિવસે આજે લોકસભામાં પ્રશ્નકાળ ખોરવાઈ ગયો હતો. સવારે 11 વાગ્યે ગૃહ ફરી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો. માત્ર એક મિનિટ પછી, અધ્યક્ષ સ્થાને રહેલા પીસી મોહને ગૃહને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું. બપોરે 12 વાગ્યે ગૃહ ફરી શરૂ થયું. તે પછી પણ, વિપક્ષનો હોબાળો ચાલુ રહ્યો. સાંસદો અમને ન્યાય જોઈએ છેના નારા લગાવતા રહ્યા. આ પછી, ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું.
સ્પીકર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવે છે: વિપક્ષનો આરોપ
વિપક્ષનો આરોપ છે કે સ્પીકર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ અંગે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 'સરકારના દબાણને કારણે સ્પીકર પદની ગરિમા જળવાતી નથી અને તેમણે વડાપ્રધાનના બચાવમાં સફાઈ આપવી પડે છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.