દેશના દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મોટા અને ધમાલિયા મહાનગરોમાં આખી જિંદગી કામ કર્યા બાદ હવે લોકો નિવૃત્તિ (રિટાયરમેન્ટ) પછીની શાંતિપૂર્ણ જિંદગી વિતાવવા માટે દક્ષિણ ભારતના કોયમ્બતૂર શહેર તરફ વળી રહ્યા છે. એક સમય હતો જ્યારે સીનિયર સિટિઝન હોમને મજબૂરી ગણવામાં આવતી હતી, પરંતુ આજે ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. હવે આ એક લક્ઝરી લાઈફસ્ટાઈલ બની ગયું છે, જ્યાં લોકો સ્વેચ્છાએ પ્રદૂષણમુક્ત અને સુવિધાસભર જીવન જીવવા માટે આવી રહ્યા છે.
આંકડાઓની દ્રષ્ટિએ કોયમ્બતૂર દેશમાં 'સીનિયર લિવિંગની રાજધાની' તરીકે ઉભરી આવ્યું છે. નોએસિસ (Noesis) ના સ્થાપક નંદીવર્ધન જૈનના જણાવ્યા અનુસાર, આ શહેરમાં હાલ આશરે 5500 ઓર્ગેનાઈઝ્ડ સીનિયર લિવિંગ યુનિટ્સ છે, જે દેશના અન્ય કોઈપણ શહેર કરતાં સૌથી વધુ છે. ભારતના કુલ સીનિયર લિવિંગ પ્રોપર્ટી માર્કેટનો 22 ટકા હિસ્સો એકલું કોયમ્બતૂર ધરાવે છે. અહીં ઘર ખરીદનારાઓમાં માત્ર 25 ટકા સ્થાનિક લોકો છે, જ્યારે બાકીના 75 ટકા ખરીદારો ચેન્નઈ, બેંગલુરુ, કેરળ અને મિડલ ઈસ્ટથી પરત ફરી રહેલા એનઆરઆઈ (NRI) છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ અહીં મોટો ઉછાળો જોવા મળ્યો છે. કેર ફાઈન્ડરના ફાઉન્ડર પીએસ શ્રીકુમારના જણાવ્યા મુજબ, કોયમ્બતૂરમાં જે સીનિયર લિવિંગ વિલાની કિંમત કેટલાક વર્ષો પહેલાં 70 લાખ રૂપિયા હતી, તે આજે વધીને 3.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત ખરીદારોની સરેરાશ ઉંમર પણ ઘટીને 58 થી 65 વર્ષ થઈ ગઈ છે. નોકરી કરતા લોકો નિવૃત્ત થતાંની સાથે જ એડવાન્સમાં પોતાના માટે આવા ઘરો ખરીદી રહ્યા છે.
કોયમ્બતૂર જેને 'દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર' કહેવામાં આવે છે, તેનું આહલાદક વાતાવરણ, ઉત્તમ હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્કૃષ્ટ એરપોર્ટ કનેક્ટિવિટી બુઝુર્ગોને ખૂબ આકર્ષે છે. જેએલએલ (JLL) ના રિપોર્ટ મુજબ, જૂન 2026 સુધીમાં ભારતમાં સંગઠિત સીનિયર લિવિંગ સપ્લાય 25050 યુનિટ સુધી પહોંચી જશે. કોયમ્બતૂરની આ સફળતાને જોઈને હવે મૈસૂર, દેહરાદૂન, ગોવા અને પોંડિચેરી જેવા શહેરોમાં પણ નવા રિટાયરમેન્ટ હબ ઝડપથી વિકસિત થઈ રહ્યા છે.