રાજકોટની લોટરી બજારમાં નાણાંની લેતીદેતીના ડખ્ખામાં અસંખ્ય ગુનામાં સંડોવાયેલા મોરબી રોડ ગણેશનગરના નામચીન ઈભલા આણી ટોળકીએ ફ્રુટના વેપારી પર લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે ખુની હુમલો કરતા હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોધી 51 જેટલા ગુનામાં પોલીસ ચડી ચૂકેલા ઈભલાની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટના બજરંગવાડી વિસ્તારમાં રહેતા અને લોટરી બજારમાં એમ. કે.એસ. નામની ફુટની દુકાન ચલાવતા શબીર રફીકભાઈ શેખ ઉ.વ. ૩૫ એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની દુકાને હતા. આ વેળાએ મોરબી રોડ પર રહેતા નામચીન ઈભલો, તેનો ભાઈ ફિરીયો ઉર્ફે ફિરોજ, અને તોફિક ત્યાં ધસી આવ્યા હતા. આરોપી ઈભલાએ જૂના બાકી નીકળતા ૧૫,૦૦૦ રૂપિયાની માંગણી કરી ગાળાગાળી શરૂ કરી હતી.
જેથી વેપારી શબીરભાઈએ હાલ રૂપિયા નથી તેમ કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ હુમલો કર્યો હતો ફિરીયો ઉર્ફે ફિરોજે વેપારીના વાળ પકડી દુકાન બહાર ખેંચી ઈભલાએ લાકડાના ધોકાથી અને તોસિફે લોખંડના પાઈપથી વેપારીને માથા તેમજ શરીરના ભાગે આડેધડ ફટકાર્યા હતા દુકાનનો માણસ રાહુલ વચ્ચે પડતા તેને પણ આરોપીઓએ પાઈપ-ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી.
હુમલાખોર કુખ્યાત ઈભલાએ શબીરભાઈને “આજે તને જીવતો રહેવા દેવો નથી' તેમ કહી છરી કાઢી થી ગળાપર ઘા કરવાનો પ્રયાસ કરતા શબીરભાઈએ હાથ આડો કરી દેતા છરી કપાળના ભાગે વાગી હતી. આ હુમલામાં વેપારીને નાકમાં ફ્રેક્ચર, માથામાં માઈનોર હેમરેજ અને ત્રણ ટાંકા જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે.
આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ અત્યારની કોશિશનો ગુનો નોંધી ગણતરી ના જ કલાકોમાં આરોપી ઈબ્રાહીમ ઉર્ફે ઈભલાને પી.આઈ બીવી બોરીસાગર પીએસઆઇ એસએમ રાણા પીએસઆઇ એમ આર મકવાણા સહિતની ટીમે ઝડપી ધરપકડ કરી હતી.
ઈભલા સામે 51 ગુના 7 વાર જેલની હવા ખાઈ ચૂક્યો છે
લોટરી બજારમાં નાણાની ઉઘરાણી બાબતે વેપારી પર ખુની હુમલામાં સંડોવાયેલા અને એ ડીવિઝન પોલીસે ઝડપી લીધેલા નામચીન ઈબ્રાહીમ ઉર્ફે ઇબલો કરીમભાઈ કાથરોટીયા સામે છેલ્લા 19 વર્ષમાં 51 જેટલા ગુના બી ડિવિઝન, એ ડિવિઝન, પ્રનગરમાં નોંધાયા બાદ ઇભલો સાત વખત રાજ્યની અલગ અલગ જેલમાં પાસાની હવા ખાઈ ચૂક્યો છે
19 વર્ષથી આતંક મચાવતા ઈભલા આણી ગેંગ સામે ગુજસીટોક ક્યારે ?
રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુનાખોરી આચરતી ગેંગોને ગુજશી ટોક હેઠળ જેલ ભેગા કરવાની ઝુંબેશ ચાલુ છે તેમ છતાં અમુક નામચીન ગુનેગારોને પોલીસનો ડર ન હોય તેમ પડકાર ફેંકી રહ્યા હોય તેમ છેલ્લા 19 વર્ષથી હત્યા, અપહરણ, બળાત્કાર,મારામારી ખંડણી દારૂ જુગાર ધમકી, હત્યાની કોશિશ જેવા અસંખ્ય ગુના આચારનાર ઈભલા કાથરોટીયા અને તેના ભાઈ સહિતની ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી ક્યારે થશે? તેવા સવાલો ઊભા થયા છે.