જો તમે કોઈ અજાણ્યા શહેરમાં રસ્તો ભૂલી જાઓ, તો સૌથી પહેલા ગૂગલ મેપ્સ (Google Maps) યાદ આવે છે. પરંતુ હવે આ મેપિંગ એપ્લિકેશન કંઈક એવું કરવા જઈ રહી છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. હવે સ્માર્ટફોન પર કલાકો સુધી અલગ-અલગ ફૂડ ડિલિવરી એપ્સ પર રેસ્ટોરન્ટ અને ડિસ્કાઉન્ટ શોધવાની માથાકૂટ ખતમ થવા જઈ રહી છે. ગૂગલ મેપ્સ ટૂંક સમયમાં એક નવું ક્રાંતિકારી અપડેટ લાવવા જઈ રહ્યું છે, જે તમારા માટે પોતે જ ઓનલાઇન ફૂડ ઓર્ડર કરી શકશે!
એન્ડ્રોઇડ ઓથોરિટી (Android Authority) ના એક અહેવાલ અનુસાર, ગૂગલ મેપ્સના નવા એન્ડ્રોઇડ વર્ઝન ૨૬.૨૭.૦૦.૯૪૧૩૧૯૦૨૯ ના કોડિંગમાં આ ખાસ ફીચરના સંકેતો મળ્યા છે. એપ્લિકેશનના બેકએન્ડમાં ask maps food ordering promo જેવી લાઈનો જોવા મળી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ગૂગલ ટૂંક સમયમાં જ આ ફીચરની સત્તાવાર જાહેરાત કરશે અને યુઝર્સને આકર્ષવા માટે પ્રમોશનલ ઓફર્સ પણ આપી શકે છે. આ નવું ફીચર ગૂગલના શક્તિશાળી જેમિની AI (Gemini AI) ની મદદથી કામ કરશે.
AI તમારા માટે કેવી રીતે ફૂડ ઓર્ડર કરશે?
જો કે ગૂગલ દ્વારા હજુ આ અપડેટની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ ટેક નિષ્ણાતોના મતે, યુઝર્સ ગૂગલ મેપ્સ પર સર્ચ કરેલી અથવા સેવ કરેલી પોતાની મનપસંદ રેસ્ટોરન્ટમાંથી AI ની મદદથી સીધો ઓર્ડર કરી શકશે. રાહતની વાત એ છે કે, પૈસાની બાબતમાં ગૂગલ કોઈ જોખમ નહીં લે. AI પોતાની જાતે બેંકમાંથી પૈસા કાપી શકશે નહીં, પેમેન્ટ પ્રોસેસ યુઝરે પોતે જ મેન્યુઅલી પૂરી કરવાની રહેશે.
નવા ફીચર સાથે પ્રાઇવસી અને સુરક્ષાના મોટા સવાલો
આ ફીચર જેટલું શાનદાર અને સુવિધાજનક લાગે છે, તેની સામે એટલી જ ચિંતાઓ પણ વ્યક્ત થઈ રહી છે:
ખાવા-પીવાની આદતોનો ડેટા: નિષ્ણાતોના મતે, આ ફીચર આવ્યા પછી ગૂગલ પાસે તમારી ઇટિંગ હેબિટ્સ (ખાવા-પીવાની આદતો), મનપસંદ વાનગીઓ અને તમારા ખર્ચ કરવાની મર્યાદાનો તમામ પર્સનલ ડેટા જતો રહેશે.
સ્પોન્સર્ડ રેસ્ટોરન્ટનો ખતરો: એવી આશંકા પણ છે કે જેમિની AI તમને તમારી મનપસંદ રેસ્ટોરન્ટના બદલે એવી રેસ્ટોરન્ટના ઓપ્શન વધુ બતાવી શકે છે જેમણે ગૂગલને જાહેરાત (Sponsorship) આપી હોય.
હેકિંગનું જોખમ: જો કોઈ ભૂલથી તમારું ગૂગલ એકાઉન્ટ હેક કરી લે, તો તે તમારા નામ અને એડ્રેસ પર ખોટા ફૂડ ઓર્ડર પણ પ્લેસ કરી શકે છે.
આ ફીચર ક્લાઉડ એઆઈ પર ચાલશે કે ફોનના ઇન-બિલ્ટ હાર્ડવેર (On-Device AI) પર, તે હજી સ્પષ્ટ થયું નથી. પરંતુ આ અપડેટ ફૂડ ડિલિવરી માર્કેટમાં મોટો ભૂકંપ લાવી શકે છે.