BREAKING NEWS

હવે ઓનલાઈન ખરીદી માટે ગુગલ નહીં, એઆઈ બની રહ્યું છે લોકોની પહેલી પસંદ

  • August 06, 2026 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓનલાઈન ખરીદી કરવાની રીતમાં ઝડપથી મોટો ફેરફાર આવી રહ્યો છે. વર્ષોથી ગ્રાહકો કોઈપણ પ્રોડક્ટ ખરીદતા પહેલાં ગુગલ પર સર્ચ કરીને વિવિધ વેબસાઇટ્સની સરખામણી કરતા હતા, પરંતુ હવે લોકો જવાબો, પ્રોડક્ટની સરખામણી અને ખરીદી અંગેની સલાહ માટે ચેટ જીપીટી, પરપ્લેકસીટી જેવા એઆઈ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. પરિણામે, વ્યવસાયિક જગતમાં ગ્રાહકો સુધી પહોંચવાની પરંપરાગત પદ્ધતિ બદલાઈ રહી છે. સ્કાય એર મોબિલિટીના સ્થાપક અને સીઈઓ અંકિત કુમારના જણાવ્યા મુજબ, અગાઉ ગ્રાહકોને વિવિધ વેબસાઇટ્સ પર જઈને પ્રોડક્ટ્સની સરખામણી કરવામાં ઘણી મિનિટો લાગતી હતી, જ્યારે હવે એઆઈ સહાયકો સેકન્ડોમાં ઉપલબ્ધ વિકલ્પોનું વિશ્લેષણ કરીને યોગ્ય ભલામણ આપે છે. તેથી ઘણા ગ્રાહકો હવે કંપનીની વેબસાઇટ પર જતાં પહેલાં એઆઈ પ્લેટફોર્મનો સંપર્ક કરી રહ્યા છે. આ બદલાવને કારણે કંપનીઓ માટે પરંપરાગત સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (સીઈઓ) પૂરતું રહ્યું નથી. હવે જનરેટિવ એન્જિન ઓપ્ટિમાઇઝેશન નામનો નવો અભિગમ ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે. તેમાં કંપનીઓ એવી રીતે માહિતી તૈયાર કરે છે કે એઆઈ સિસ્ટમ્સ તેને સરળતાથી સમજી શકે અને પોતાના જવાબોમાં બ્રાન્ડનો સમાવેશ કરે. ન્યુરોરેન્કના પ્રોડક્ટ આર્કિટેક્ટ અને પલ્પ સ્ટ્રેટેજીના ચીફ સ્ટ્રેટેજિસ્ટ અંબિકા શર્માના જણાવ્યા મુજબ, હાલમાં ઘણી કંપનીઓ એઆઈ દૃશ્યતા અંગે પ્રયોગ કરી રહી છે, જ્યારે કેટલીક કંપનીઓ હજુ પણ માને છે કે ગુગલ પર સારી રેન્કિંગ હશે તો એઆઈ પણ આપમેળે તેમને ભલામણ કરશે. જોકે તેમનું માનવું છે કે આ વિચાર ભવિષ્યમાં મોંઘો સાબિત થઈ શકે છે. તેમની સંસ્થાના જીઈઓ બેન્ચમાર્ક અભ્યાસમાં 65 ઉદ્યોગોની 700 બ્રાન્ડ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું કે નિયમન હેઠળ આવતા લગભગ 68 ટકા બ્રાન્ડ્સ એઆઈ દ્વારા આપવામાં આવતા જવાબોમાં યોગ્ય રીતે સામેલ થઈ રહી નથી. ખાસ કરીને બેન્કિંગ, વીમા અને નાણાકીય સેવાઓ જેવા ક્ષેત્રોમાં આ સ્થિતિ ચિંતાજનક ગણાઈ રહી છે. નિષ્ણાતોના મતે સૌથી મોટું જોખમ નકારાત્મક પ્રચાર નહીં, પરંતુ એઆઈની ભલામણોમાં સંપૂર્ણપણે ગાયબ રહી જવાનું છે. કારણ કે એઆઈ સામાન્ય રીતે ગ્રાહકોને માત્ર બે કે ત્રણ વિકલ્પો જ સૂચવે છે. જો કોઈ બ્રાન્ડ આ યાદીમાં ન હોય તો ગ્રાહક તેના વિશે વિચારવાની શક્યતા પણ ઘટી જાય છે. જોકે એઆઈ ગ્રાહકો માટે ખરીદીની પ્રક્રિયા સરળ બનાવી રહ્યું છે, ત્યારે માહિતીની ચોકસાઈ પણ એટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે. જો એઆઈ કોઈ બ્રાન્ડ અથવા પ્રોડક્ટ વિશે ખોટી અથવા અધૂરી માહિતી રજૂ કરે, તો ખાસ કરીને નિયમન હેઠળના ક્ષેત્રોમાં તેના ગંભીર પરિણામો આવી શકે છે. તેથી હવે કંપનીઓ માટે એઆઈમાં પોતાની વિશ્વસનીય અને સચોટ હાજરી સુનિશ્ચિત કરવી સમયની માંગ બની રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News