BREAKING NEWS

હવે ફૂડ પેકેટમાં દેખાશે સુગર મીટર: લાલ, પીળો, લીલો રંગ બતાવશે ખોરાકમાં ગળપણનું પ્રમાણ

  • August 27, 2026 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પેકેજ્ડ ખાદ્ય પદાર્થોમાં સુગરનું પ્રમાણ ઓળખવા માટે ઉપભોક્તાઓ માટે ટૂંક સમયમાં એક સરળ અને સ્પષ્ટ વિકલ્પ લાવવાની તૈયારી ચાલી રહી છે. ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ પર સંસદની સ્થાયી સમિતિએ ઉત્પાદનોના પેકેટ પર ખાંડનું સ્તર સરળતાથી દર્શાવતી 'ફ્રન્ટ લેબલિંગ' વ્યવસ્થા અપનાવવાની ભલામણ કરી છે. આ વ્યવસ્થા હેઠળ ભવિષ્યમાં લાલ, પીળો અને લીલો જેવા કલર ઈન્ડિકેટર (કલર કોડ)નો ઉપયોગ થઈ શકે છે, જેનાથી ગ્રાહકો ખરીદી વખતે જ સરળતાથી ઓછા, મધ્યમ અને વધુ ખાંડ ધરાવતા ઉત્પાદનોની ઓળખ કરી શકશે. જોકે, સમિતિએ હાલ કોઈ ચોક્કસ રંગ નક્કી કર્યો નથી, પણ વધુ ખાંડ વાળા ઉત્પાદનો પર સ્પષ્ટ ચેતવણી આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.હાલના સમયમાં મોટાભાગના પેકેટના પાછળના ભાગે જ પોષણ સંબંધી કોષ્ટકમાં ખાંડની માત્રા ગ્રામ અને દૈનિક ભલામણ કરેલ ટકાવારી મુજબ આપવામાં આવે છે. સમિતિનું માનવું છે કે આ જટિલ આંકડાઓને દરેક સામાન્ય ગ્રાહક સરળતાથી સમજી શકતો નથી. આ ઉપરાંત સમિતિએ 'નો એડેડ સુગર' અને 'નેચરલ સ્વીટનર' જેવા બ્રાન્ડ્સના દાવાઓ સામે ચિંતા વ્યક્ત કરીને વૈજ્ઞાનિક તપાસ અને પ્રમાણપત્ર વ્યવસ્થાને મજબૂત કરવાની ભલામણ કરી છે. તેમજ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાતા ખાદ્ય પદાર્થોની લેબલિંગ પર પણ કડક દેખરેખ રાખવા સૂચન કર્યું છે.આ નવો નિયમ લાવવા પાછળનું મુખ્ય કારણ છેલ્લા ચાર વર્ષથી અટકેલી લેબલિંગ પ્રક્રિયાને ઝડપી બનાવવાનું છે. એફએસએસએઆઈ દ્વારા ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ 'ફ્રન્ટ-ઓફ-પેક ન્યુટ્રિશન લેબલિંગ'નો ડ્રાફ્ટ જાહેર કરાયો હતો, જેના પર ૧૪ હજારથી વધુ સૂચનો મળ્યા હોવા છતાં નિયમો હજુ સુધી અંતિમ સ્વરૂપ લઈ શક્યા નથી. સમિતિએ આ ચાર વર્ષથી લંબિત નિયમોને વહેલી તકે લાગુ કરવા કહ્યું છે. બાળપણથી જ વધુ ખાંડનું સેવન કરવાથી ભવિષ્યમાં દાંતનો સડો, મેદસ્વીતા, ટાઇપ-2 ડાયાબિટીસ અને હાઇ બ્લડ પ્રેશરનું જોખમ રહે છે.ખાંડના સેવન અંગે વૈશ્વિક અને રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ દ્વારા ગંભીર ચેતવણીઓ આપવામાં આવી છે. આઈસીએમઆરની માર્ગદર્શિકા મુજબ દૈનિક ૨૫ ગ્રામ સુધી જ ખાંડનું સેવન મર્યાદિત રાખવું હિતાવહ છે. ડબલ્યુએચઓ મુજબ, પુખ્ત વયના લોકો અને બાળકો બંનેએ પોતાની દૈનિક કૂલ કેલરી જરૂરિયાતના દસ ટકાથી ઓછો હિસ્સો જ ફ્રી સુગર તરીકે લેવો જોઈએ. તેને પાંચ ટકા સુધી ઘટાડવાથી સ્વાસ્થ્યને વધુ લાભ થાય છે. સમિતિએ શૂન્યથી છ મહિનાના શિશુઓના દૂધના ફોર્મ્યુલામાં પણ ખાંડના ઉપયોગની નિયમિત સમીક્ષા કરવા અને તેમાં ખાંડની મહત્તમ સીમા કડક રીતે નક્કી કરવા ભલામણ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application