BREAKING NEWS

જામનગર : અહો વિચિત્રમ..જામ્યુકોના બજેટના કદમાં રૂ.૫.૯૦ કરોડનો ઘટાડો

  • February 12, 2026 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર મહાનગરપાલીકાના વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ અંદાજપત્રના કદમાં રૂ.૫.૯૦ કરોડનો ઘટાડો કરવામાં આવતા ભારે આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠયા છે. છેલ્લાં બે વર્ષના ડ્રાફટ બજેટમાં કરવેરાની આવકમાં ક્ષુલ્લક વધારો દર્શાવાતા અને મોટાભાગના કામો ગ્રાન્ટને આધીન હોય વિકાસકાર્યો સામે ગંભીર પ્રશ્ર્નાર્થ ઉભા થયા છે. મહેસુલી આવક કરતા ખર્ચમાં સતત વધારાથી છાશવારે મહાનગરપાલીકાની આર્થિક સ્થિતિ ડામાડોળ થતાં કર્મચારીઓના પગાર કરવામાં પણ ફાંફાની સ્થિતિ સર્જાઇ છે. આમ છતાં શહેરીજનોને મહાનગરપાલીકાના અધિકારીઓ અને સતાધીશો બજેટમાં વિકાસકાર્યોના દીવાસ્વપ્નો દેખાડવાનું બંધ કરતા નથી.


જામ્યુકોની સપ્તાહ પૂર્વે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં મ્યુનિસિપલ કમિશ્ર્નરે  વર્ષ ૨૦૨૫-૨૬નું રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફટ બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં શહેરીજનો પર રૂ.૯.૧૦ કરોડનો વેરા વધારો સૂચવાયો હતો અને રૂ.૧૮૬૦ કરોડનું કદ દર્શાવાયું હતું. ત્યારબાદ આ બજેટ સ્ટેન્ડીંગ કમીટીએ મંજૂર કરી ભલામણ અર્થે જનરલ બોર્ડમાં મોકલ્યું છે. પરંતુ સ્ટેન્ડીંગ કમીટી દ્રારા વેરા વધારો અગાઉથી નકકી હોય તેમ નાટકીય રીતે રદ કરી શહેરીજનોની વાહ વાહી મેળવી લીંબડ જશ ખાટવામાં આવ્યો છે. પરંતુ બજેટના કદમાં રૂ.૫.૯૦ કરોડનો ઘટાડો કરવામાં આવતા અનેક સવાલની સાથે ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે. વળી, કયાં  કાપ મૂકાયો તે દર્શાવામાં આવ્યું નથી કે ફોડ પાડયા વગર ફકત સુધારા-વધારા સાથે બજેટને મંજૂરી આપી દેવામાં આવી છે.


બીજી બાજુ મહાનગરપાલીકાના જે તે વર્ષના રીવાઇઝડ અને ડ્રાફટ બજેટમાં   કરવેરા સહીતની આવક કરતા ખર્ચમાં ઉતરોતર વધારો થઇ રહ્યો છે. જેના કારણે વિકાસકાર્યોના આયોજન, અમલીકરણ અને પૂર્ણતા સામે ગંભીર પ્રશ્ર્નાર્થ ઉભા થયા છે. છેલ્લાં ત્રણ વર્ષના બજેટમાં દર્શાવેલા આંકડા ચોંકાવનારા છે. કારણ કે, વર્ષ ૨૦૨૩-૨૪ના રીવાઇઝડ અંદાજપત્રને લક્ષમાં રાખી વર્ષ ૨૦૨૪-૨૫ના અંદાજપત્રમાં મહેસુલી આવક અને ખર્ચમાં ટેકસની આવક ર્રું.૧૧૭.૬૭ કરોડ દર્શાવામાં આવી હતી. જયારે વર્ષ ૨૦૨૪-૨૫ના રીવાઇઝડ અંદાજપત્રને ઘ્યાનમાં રાખી વર્ષ ૨૦૨-૨૬ના અંદાજપત્રમાં ટેકસની આવક રૂ.૧૧૮.૯૧ કરોડ દર્શાવામાં આવતા ફકત ૧.૨૪ કરોડના વધારાનો અંદાજ દર્શાવાયો છે.


જયારે વર્ષ ૨૦૨૫-૨૬ના રીવાઇઝડ અંદાજપત્રને અનુલક્ષીને વર્ષ ૨૦૨૬-૨૭ના તૈયાર કરેલા અંદાજપત્રમાં ટેકસની આવક રૂ.૧૨૧.૦૧ કરોડ દર્શાવામાં આવી છે. આથી ગત વર્ષની સરખામણીએ ફકત રૂ.૨.૧૦ કરોડનો વધારાનો અંદાજ દર્શાવાયો છે. જેની સામે ગત વર્ષના બજેટમાં ટેકસ વગરની આવક રૂ.૨૧૪.૩૧ કરોડની આવક સામે ચાલુ વર્ષે રૂ.૨૧૬.૨૬ કરોડ દર્શાવાતા તેમાં પણ રૂ.૨ કરોડનો નજીવો વધારાનો અંદાજ રજૂ કરાયો છે. ગત વર્ષ કરવેરા સહીત જુદી જુુદી રૂ.૫૨૩ કરોડની મહેસૂલી આવક સામે રૂ.૫૨૫ કરોડના ખર્ચનો અંદાજ રજૂ કરાયો હતો. જયારે ચાલુ વર્ષે રૂ.૫૪૨ કરોડની મહેસૂલી આવક સામે અધધ..રૂ.૫૬૩.૧૦ કરોડના મહેસૂલી ખર્ચનો અંદાજ રજૂ કરાયો છે. 


બીજ બાજુ એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ કે જેમાં ઓફીસ સ્ટાફ, કોન્ટ્રાકટ બેઇઝ કર્મીઓ, આઉટ સોર્સીંગ કર્મીઓના પગાર અને પેન્શન ખર્ચનો સમાવેશ થાય છે. આ એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં દર વર્ષે જંગી વધારો થઇ રહ્યો છે. પરંતુ આમ છતાં  સંતોષકારક કામગીરી જોવા મળતી નથી. વર્ષ ૨૦૨૪-૨૫ના ડ્રાફટ અંદાજપત્રમાં સ્ટાફ, સફાઇ અને જેએમટીએસ મળી કુલ એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ ૨૧૦.૬૯ કરોડ દર્શાવાયો હતો. જેની સામે વર્ષ ૨૦૨૫-૨૬ના ડ્રાફટ અંદાજપત્રમાં રૂ.૨૩૭.૯૮ કરોડ અને વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ અંદાજપત્રમાં રૂ. ૨૭૩.૯૨ કરોડ દર્શાવાયો છે.


આટલું જ નહીં મરામત અને નિભાવ ખર્ચમાં પણ જંગી વધારો દર્શાવાયો છે. જયારે ગત વર્ષની સરખામણીએ જાહેર શિક્ષણ ખર્ચમાં કોઇ વધારો કે ઘટાડો કર્યા વગર રૂ.૨૫.૧૫ કરોડ દર્શાવામાં આવતા અનેક સવાલની સાથે શંકા ઉઠી છે. વર્ષ ૨૦૨૪-૨૫ના ડ્રાફટ બજેટમાં પરચૂરણ ખર્ચ રૂ.૨૭.૨૫ કરોડ, વર્ષ ૨૦૨૫-૨૬ના ડ્રાફટ બજેટમાં રૂ.૩૬.૯૫ કરોડ દર્શાવામાં આવ્યો છે. જેની  સામે વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ અંદાજપત્રમાં પરચૂરણ ખર્ચ રૂ.૨૪.૬૧ કરોડ દર્શાવાયો છે. ત્યારે બે વર્ષમાં જંગી વધારા બાદ ચાલુ વર્ષના બજેટમાંં ઘટાડો દર્શાવામાં આવતા આ ખર્ચ પણ તપાસના દાયરામાં આવ્યો છે. 


એસ્ટાબ્લીશમેન્ટ સહીતના ખર્ચમાં વધારો, ગ્રાન્ટની અપૂરતી ફાળવણીથી નાણાંકીય ખેંચથી વિકાસકામો ખોરંભે

જામ્યુકોના બજેટમાં કર્મચારીઓના પગારના એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચમાં વધારો દર્શાવાયો છે. તજજ્ઞોના જણાવ્યાનુસાર આવક કરતા ૩૦ ટકાથી વધુ એસ્ટાબ્લીશમેન્ટ  ખર્ચ હોય અને બાકીના ૨૦ ટકા લોન, વ્યાજ ભરવામાં ખર્ચ થતો હોય વધતા ૫૦ ટકા નાણાંમાંથી મસમોટા વિકાસ કાર્યો કરવા શકય નથી. આથી મહદઅંશે ગ્રાન્ટ પર આધાર રાખવો પડે છે. પરંતુ ગ્રાન્ટ સમયસર ન આવતી હોય તથા અપૂરતી ફાળવણીથી નાણાકીય ખેંચથી વિકાસકામો ખોરંભે ચડી રહ્યા છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application