BREAKING NEWS

સુરતમાં શ્રાવણના પ્રારંભે જ કાળજું કંપાવતી ઘટના, પ્રેમીપંખીડાનો બીલીપત્રના ઝાડ સાથે દુપટ્ટો બાંધી આપઘાત

  • August 13, 2026 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના સંજયનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર નજીક મજૂરીકામ કરતા ૨૪ વર્ષીય યુવક અને ૧૬ વર્ષીય સગીરાએ પ્રેમપ્રકરણમાં ખાડી કિનારે આવેલા બીલીપત્રના ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બંને મૃતકો છેલ્લા બે દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા, જેને લઈને પરિજનો ચિંતિત હતા અને તેમની સતત શોધખોળ કરી રહ્યા હતા.


શ્રાવણ મહિનાના પવિત્ર પ્રારંભના દિવસે જ સવારે રામજીનગર સોસાયટી નજીક ખાડી કિનારે બંનેના મૃતદેહ બીલીપત્રના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જ સ્થાનિક લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ કરુણ ઘટના બંને મૃતકોના ઘરથી માત્ર ૫૦૦ મીટરના અંતરે જ બની હતી, જેનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરો શોક છવાઈ ગયો હતો.


પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક યુવક મૂળ દાહોદનો વતની હતો અને રોજગારી મેળવવાના આશયથી દોઢ મહિના પહેલા જ સુરત આવ્યો હતો. યુવકના ભૂતકાળમાં બે લગ્ન થઈ ચૂક્યા હતા. બીજી તરફ, મૃતક સગીરાની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી. છેલ્લા એક મહિનાથી યુવક અને સગીરા સાથે મજૂરીકામ કરવા જતા હતા. સાથે કામ કરતી વખતે જ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે, બંને પરિવારો આ પ્રેમસંબંધથી સાવ અજાણ હતા.


આ કરુણ ઘટના અંગે યુવતીના ભાઈએ ભારે હૈયે આપવીતી જણાવતા કહ્યું હતું કે, મારી નાની બહેન છેલ્લા બે દિવસથી અચાનક ગુમ થઈ ગઈ હતી. તેના ગુમ થવાથી માતા-પિતા સતત રડી રહ્યા હતા અને તેની શોધખોળ કરી રહ્યા હતા. પરિસ્થિતિ વણસતાં અમે માતા-પિતાને વતન મોકલી દીધા હતા. પરંતુ તેઓ ગામડે પહોંચ્યા જ હતા કે તરત જ સવારે આ કાળજું કંપાવી દેનારા દુઃખદ સમાચાર મળ્યા.


બીજી તરફ, મૃતક યુવકના ભાઈએ પણ આ અંગે પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મૃતક મારો નાનો ભાઈ હતો. તે અને સગીરા બંને બે-ત્રણ દિવસથી ઘરેથી લાપતા હતા. આજે સવારે જ અમને ખબર પડી કે તેઓએ ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. અમારા પરિવારમાં કોઈને પણ તેમના પ્રેમસંબંધ કે લગ્ન અંગેની કોઈ જ જાણકારી કે કલ્પના નહોતી.


આ બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી. બંને મૃતદેહોને કબજે લઈને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રેમીપંખીડાના આ અણધારી આપઘાતથી બંને પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. પ્રેમસંબંધ અને કૌટુંબિક અજાણતા વચ્ચે સર્જાયેલા આ કરુણ અંતે અનેક સવાલો ઊભા કર્યા છે અને સમગ્ર સંજયનગર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application