ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે ઓએનજીસીના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. જેના લાઈવ દ્દશ્યો સામે આવ્યાં છે. આ દુર્ઘટનામાં બોટ માલિકનું મોત થયું છે, જ્યારે એક કામદાર લાપતા છે. તેમજ 23 કામદારોને બચાવી લેવામાં આવ્યાં છે. ભરતીનું પાણી વધી જતા 5 સેકન્ડમાં જ બોટ ઊંધી વળી ગઈ હતી.
મળતી માહિતી મુજબ જંબુસરના આસરસા ગામે 25 જેટલા શ્રમિકો અને સ્થાનિકો ભરેલી બોટ ભરતીના પાણીના લીધે પલટી ગઈ હતી. જેથી બોટના માલિકનું મોત થયું છે, જયારે એક શ્રમિક લાપતા બન્યો છે. શ્રમિકો બોટમાં બેસી રહ્યાં હતાં તે સમયે અચાનક ભરતીનું પાણી આવી જતાં બોટ એક તરફ નમી ગયા બાદ પલટી મારી ગઇ હતી. બોટનો માલિક વચ્ચે દબાઈ જતાં તેનું મોત થયું છે. બોટમાં સવાર અન્ય શ્રમિકો કિનારા પર આવી જતાં તેમનો બચાવ થયો છે જયારે એક શ્રમિક ખાડીના પાણીમાં લાપત્તા બની ગયો છે.
કંપનીએ આસરસા ગામની 19 બોટ ભાડેથી લીધી છે
ઓઈલ એન્ડ નેચરલ ગેસ કંપની ( ONGC) જંબુસર તાલુકામાંથી પસાર થતાં અરબી સમુદ્રમાંથી ખનીજતેલ અને કુદરતી ગેસનું સંશોધન કરવાના પ્રોજેકટ પર કામ કરી રહી છે. આ પ્રોજેકટ અંતર્ગત દરિયામાં સર્વે કરવાની કામગીરી માટે એશિયન એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. એશિયન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ આસરસા ગામની 19 બોટ ભાડેથી લીધી છે.
બોટ ખાડીના કિનારે ઉભી હતી અને તે સમયે અચાનક દરિયામાં ભરતી આવી
શનિવારના રોજ આસરસા ગામના એક નાવિકની બોટમાં શ્રમિકોને કેવી રીતે કામગીરી કરવી તે શીખવાડવાની કામગીરી શરૂ કરાઈ હતી. બોટના માલિકે બોટને ખાડીના કિનારે ઉભી રાખી હતી અને તે સમયે અચાનક દરિયામાં ભરતી આવી જતાં પાણીના જોરદાર પ્રવાહમાં એક તરફ બોટ નમી ગઇ હતી. બોટ નમી ત્યારે તેમાં 25 જેટલા શ્રમજીવીઓ અને સ્થાનિકો સવાર હતા. બોટ નમી ગયાં બાદ પલટી મારી ગઇ હતી. જેમાં બોટના માલિક રોહિતભાઇ બોટની નીચે ફસાઇ જવાથી મોતને ભેટ્યાં હતાં. એક શ્રમજીવી લાપત્તા બન્યો છે. જયારે 23 લોકોને બચાવી લેવામાં સફળતા મળી છે. બચી ગયેલાં તમામ લોકોને સારવાર માટે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. આસરસા ગામ જંબુસરથી 35 કિમીના અંતરે આવેલું છે અને ત્યાંથી એક ખાડી પસાર થાય છે જે અરબી સમુદ્રને મળે છે.