ગોધરામાં આજે વહેલી સવારે મોટી કરૂણાંતિકા સર્જાઈ હતી. શહેરના બામરોલી રોડ પર ગંગોત્રી નગરમાં જ્વેલર્સના ઘરમાં આગ ફાટી નીકળતા એક જ પરિવારના ચાર સભ્યોના મોત નીપજ્યા હતા. આ ઘટનામાં કરૂણતા એ છે કે, પરિવારમાં મોટા દીકરાની આજે સગાઈ હતી. આથી પરિવારે સગાઈની સંપૂર્ણ તૈયારી કરી સૂતો હતો. પરંતુ વહેલી સવારે આગ લાગતા પરિવારના ચારેય સભ્યોનો મોત નીપજતા સ્થાનિક લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
ઘરના સોફા સળગ્યા ને આગ ફેલાઈ
મળતી માહિતી મુજબ, બામરોલી રોડ પર અંકુર સોસાયટીની બાજુમાં આવેલા સેતુ ક્લબ પાસે ગંગોત્રી નગરમાં ઘરમાં મોડી રાત્રે કે વહેલી સવારે ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. દુર્ઘટનાનું સૌથી મોટું કારણ એ હતું કે, ઘર ચારે તરફ કાચથી સંપૂર્ણપણે પેક હતું. જેના કારણે આગથી નીકળેલો ઝેરી ધુમાડો બહાર નીકળી શક્યો નહીં અને સમગ્ર ઘરમાં ભરાઈ ગયો. ગાઢ નિદ્રામાં સૂતેલા પરિવારને જાગવાની કે બચવાની જરા પણ તક મળી ન શકી અને ઝેરી ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી ચારેય સભ્યના ઘટનાસ્થળે જ ગૂંગળાઈને કરૂણ મોત નિપજ્યા.
પરિવારના મોભી જાણિતા જ્વેલર્સ હતા
ગોધરામાં જાણીતા 'વર્ધમાન જ્વેલર્સ'ના વ્યવસાય સાથે સંકળાયેલા કમલભાઈ દોષીનો પરિવાર આજે ભારે ઉત્સાહમાં હતો. આજે સવારે જ તેમના 24 વર્ષીય પુત્ર દેવ દોષીની સગાઈ માટે આખો પરિવાર હરખભેર વાપી જવા રવાના થવાનો હતો.
ખુશીના પ્રસંગ સાથે પરિવાર આનંદ-ઉલ્લાસ સાથે સૂતો પણ...
ગઈકાલે રાત્રે કમલભાઈ દોષી, માતા દેવલબેન દોષી અને તેમના બે યુવાન પુત્રો દેવ અને રાજ આજના શુભ પ્રસંગની ચર્ચા કરતા અને હસી-મજાક કરતા સુતા હતા. તેમને ક્યાં ખબર હતી કે તે રાત તેમની છેલ્લી રાત સાબિત થવાની છે. સવારે જ્યારે આસપાસના લોકોને ઘટનાની જાણ થઈ અને ફાયર વિભાગને બોલાવાયું ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયરની ટીમે બારીના કાચ તોડી ઘરમાં ભરાયેલો ધૂમાડો બહાર કાઢી મૃતક ચારેયનું રેસ્ક્યૂ કર્યું હતું.
આજે દીકરાની સગાઈ કરવા પરિવાર વાપી જવાનો હતો
આજે જે ઘરમાંથી દીકરાએ વરરાજા બનીને સગાઈ માટે નીકળવાનું હતું, તે જ ઘરમાંથી એકસાથે ચાર-ચાર અર્થી નીકળતાં જોઇને પથ્થર દિલ માણસ પણ રડી પડ્યા હતા. આ બનાવના કારણે માત્ર ગંગોત્રી નગર જ નહીં, પરંતુ સમગ્ર વેપારી આલમમાં ઘેરો શોક છવાઈ ગયો છે. વાપીમાં જ્યાં સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યાં વેવાઈ પક્ષ પર પણ આ સમાચાર વજ્રઘાત સમાન સાબિત થયા છે.
મૃતકોની યાદી
1. કમલભાઈ દોષી- પતિ (ઉં.વ. 50)
2. દેવલબેન કમલભાઈ દોષી- પત્ની (ઉં.વ. 45)
3. દેવ કમલભાઈ દોષી- મોટો પુત્ર (ઉં.વ. 24)
4. રાજ કમલભાઈ દોષી- નાનો પુત્ર (ઉં.વ. 22)