રાજકોટમાં વિદ્યાનગર મેઈન રોડ પર મોડીરાત્રે ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. આથી પોલીસ અધિકારીઓ તપાસ માટે ઘટનાસ્થળે દોડી ગયા છે. શહેરની બે ગેંગ વચ્ચે ફાયરિંગ થયાનું જાણવા મળ્યું છે. જેમાં જંગલેશ્વર ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે ફાયરિંગ થયાનું સામે આવ્યું છે.
રૂબિના સમાએ જણાવ્યું હતું કે, રાતે અમે ત્રણેય બહેનો બેઠા હતા. મારા પતિ તૌફિક પણ હતા. મારા ભાઈ અને ભત્રીજા અહીં જોવા આવ્યા હતા. ત્યારે એક ટુ-વ્હિલર નીકળ્યું અને તેઓ અમારા પર ફાયરિંગ કરતા ગયા. આથી અમે ભાગી ગયા હતા. આઠથી નવ રાઉન્ડ ફાયરિંગ થયા હતા. ટુ-વ્હિલર પર ત્રણ જણા બેઠા હતા. જેમાં એક લાકડી ફેરવતો હતો અને બે જણા ફાયરિંગ કરતા હતા.
એક જણા માથે ગાડી ચડાવી દીધી
વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ અમારે એ લોકો સાથે માથાકૂટ થઈ હતી. અત્યારે મારા પપ્પા સિરિયસ છે અને હોસ્પિટલમાં દાખલ છે. અમારા નાના છોકરા આવ્યા હતા તેના પર પણ ફાયરિંગ કર્યું હતું. એક જણા માથે ગાડી ચડાવી દીધી હતી. અમે જવાબ આપવાના હતા પણ મારા પપ્પા સિરિયસ હતા અને બીજી હોસ્પિટલે ખસેડવાના હતા એટલે અમે કાંઈ ન કર્યું
મળતી માહિતી મુજબ, જંગલેશ્વરમાં જાવેદ જુનેજા ઉપર ફાયરિંગ કરનાર સંજય અને ગઢવી નામના શખ્સોએ મધરાતે જુનેજાના સગાવ્હાલા હોસ્પિટલ બહાર બેઠા હતા ત્યારે રાત્રે 3થી 4 વાગ્યાની વચ્ચે ફાયરિંગ કર્યું હતું. પોલીસ ઘટનાસ્થળે આરોપીની ઓળખ સીસીટીવી ફૂટેજમાંથી મળી બંનેને ઝડપી લેવા પ્રયાસ હાથ ધર્યો છે.