BREAKING NEWS

રાજકોટના આંબેડકરનગર ચોક પાસે બંધ રિક્ષામાંથી યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ દોડી ગઈ

  • September 04, 2026 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આવેલા આંબેડકરનગર ચોક નજીક આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ખોડિયારનગર શેરી નંબર 17માં પાર્ક કરેલી એક ઓટો રિક્ષામાંથી ભાવેશ નામના સ્થાનિક યુવકનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાને પગલે આસપાસના રહીશોના મોટાટોળા એકઠા થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ખોડિયારનગર વિસ્તારમાં પડેલી એક રિક્ષામાં યુવક લાંબા સમયથી અચેત હાલતમાં પડ્યો હોવાનું સ્થાનિક લોકોના ધ્યાને આવ્યું હતું.


સ્થિતિ શંકાસ્પદ લાગતા રહીશોએ તાત્કાલિક ઈમરજન્સી સેવા 108 અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ માલવિયાનગર પોલીસ મથકનો કાફલો તથા 108ની મેડિકલ ટીમ મિનિટોમાં જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તપાસ બાદ 108ના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ ભાવેશ તરીકે થઈ છે. સ્થાનિક પોલીસે મૃતદેહનો કબ્જો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકનું મોત કુદરતી છે, અકસ્માત છે કે પછી કોઈ અનિચ્છનીય બનાવ કે હત્યા છે તે અંગે હાલ અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. માલવિયાનગર પોલીસે મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, યુવકનું મોત કયા સંજોગોમાં થયું તે અંગે પીએમ રિપોર્ટ અને ઊંડાણપૂર્વકની તપાસ બાદ જ સાચી હકીકત સામે આવશે.

હાલ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેજ ચકાસવાની સાથે મૃતક ભાવેશના પરિવારજનો અને સ્થાનિકોના નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News