કાલાવડમાં એક યુવાને ઓનલાઇન લીંક મારફતે નેકલશ મંગાવેલ જો કે આઉટ ઓફ સ્ટોક હોવાથી સામેથી પૈસા પરત આપવા ગુગલ પે ઉપર રીકવેસ્ટ મોકલી વાતોમાં ભોળવીને પીન નંબર મેળવી લેવામાં આવ્યો હતો જેના આધારે આ નંબરનો દુરઉપયોગ કરી ખાતામાંથી ૪.૧૫ લાખની રકમ ટ્રાન્સફર કરી ઓનલાઇન છેતરપીંડી કર્યાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે જેમાં મોબાઇલ નંબરના આધારે ફરીયાદ દાખલ કરવામાં આવતા તપાસ કરવામાં આવી રહી છે.
કાલાવડના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની સામેની શેરીમાં રહેતા વેપારી ચિમનભાઇ દામજીભાઇ ફળદુએ મોબાઇલ નંબર ૭૭૨૬૦૬૮૫૮૮ના વપરાશ કરતા તથા તપાસમાં જે નામ ખુલે તેની સામે ટાઉન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
ગઇ તારીખ ૧૧-૧-૨૬ના રોજ ફરીયાદીના પુત્ર દક્ષએ ઓનલાઇન લીંક મારફત રૂ.૨૩૯૯નું નેકલેશ મંગાવ્યુ હતુ જે અંગે તા.૧૬ના સાંજના દક્ષને ઉપરોકત નંબરથી વ્હોટસેપમાં ફોન આવ્યો હતો અને મંગાવેલ વસ્તુ આઉપ ઓફ સ્ટોક હોય તેથી પૈંસા પરત દેવા અંગે જણાવી ફરીયાદીના ગુગલ પે આઇડી પર પૈસાની રીકવેસ્ટ મોકલી ફરીયાદીના દિકરાને પોતાની વાતમાં ભોળવીને પીન નંબર મેળવી લીધો હતો.
ફરીયાદીના પીન નંબરનો દુરઉપયોગ કરી ગુગલ પે માંથી કુલ રૂ.૪,૧૫,૦૩૫ની રકમ પોતાના એકાઉન્ટમાં ગેરકાયદે રીતે ટ્રાન્સફર કરી સંદેશાવ્યવહારના સાધન દ્વારા અપ્રમાણિકતાથી ઇલેકટ્રોનિક રેર્કડથી પીનનો ગેરકાયદે ઉપયોગ કરી ફરીયાદી સાથે ઓનલાઇન છેતરપીંડી કરી હતી આ ફરીયાદના આધારે કાલાવડના પી.આઇ આંબલીયા તપાસ ચલાવી રહયા છે.