સ્વાદ શોખીનોના શહેર રંગીલા રાજકોટમાં વારંવાર ખાણી પીણીના પદાર્થોમાં ભેળસેળ મળતી રહે છે અને દંડનીય કાર્યવાહી થતી રહે છે, વર્ષો સુધી કેસ ચાલતા રહે છે અને જે તે ધંધાર્થીઓ ફરી નવા નામે નવી પેઢી ધમધમતી કરી ધમધોકાર ધંધો કરવા લાગે છે. ખરેખર રાજકોટ શહેરમાં ખાણી પીણીના એકમો કેટલા અને લાયસન્સ હોલ્ડર કેટલા તેની તપાસ થવી જરૂરી છે આ બન્ને સંખ્યા વચ્ચેનો તફાવતનો આંક ચેકિંગના અભાવે ખુબ મોટો છે. ભેળસેળનું મૂળ જ ફૂડ લાયસન્સ વિના ધમધમતા એકમો છે. શહેરની મધ્યમાં પણ લાયસન્સ વિના એકમો કાર્યરત છે ત્યારે શહેરમાં નવા ભળેલા વિસ્તારો તો જાણે નો લાયસન્સ ઝોન હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. જે ધંધાર્થીઓ રજિસ્ટર્ડ થયા જ નથી તેમને ત્યાં ચેકિંગ કે સેમ્પલિંગનો તો સવાલ જ ઉપસ્થિત થતો નથી.
કેન્દ્ર સરકાર હેઠળના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઈન્ડિયા દ્વારા ફૂડ લાયસન્સ/રજીસ્ટ્રેશન મેળવવા માટે નિયત કરેલ ઓનલાઈન પોર્ટલ foscos.fssai.gov.in ઉપર તેઓના ધંધાના પ્રકાર, કદ પ્રમાણે જરૂરી દસ્તાવેજો ઓનલાઈન રજૂ કરી ઇન્સ્પેક્શન થયા બાદ ઓનલાઈન ભરેલ નિયત ફી મુજબ લાયસન્સ ઇસ્યુ થાય છે.ઓનલાઈન ભરેલ ફી મુજબ લાયસન્સની વેલીડિટી એક વર્ષ થી પાંચ વર્ષ સુધી ભરેલ રકમને આધારે નિયત થયેલ હોય છે.
દરમિયાન રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષમાં ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ તા.૧.૧.૨૦૨૫થી તા.૧૩.૧૧.૨૦૨૫ સુધી વિવિધ કેટેગરીના ફુડ લાઇસન્સ-રજિસ્ટ્રેશનની કામગીરીમાં કુલ ૧૧૧૩ ફૂડ લાઇસન્સ રિલીઝ કરવામાં આવ્યા છે અને હંગામી ધંધાર્થીઓને ૯૭૨ રજિસ્ટ્રેશન આપવામાં આવ્યા છે.મેળવેલ લાઇસન્સ રિન્યુ કરવા માટે ઉપરોક્ત પોર્ટલ ઉપર ફૂડ બિઝનેસ ઓપરેટર મેળવેલ લાયસન્સની વિગતો અપલોડ કરી કેટેગરી મુજબ ઓનલાઈન ફી ભરી આપી જાતે રજિસ્ટ્રેશન લાયસન્સ રિન્યુ કરી શકે છે.
લાયસન્સ મેળવવા માટે સુચના, નોટીસ કેમ નહીં ?
શહેરના કોઇ પણ વિસ્તારમાં ફૂડ ચેકીંગ કે સેમ્પલિંગની કામગીરી ચાલી રહી હોય ત્યારે જો કોઈ ધંધાર્થી ફૂડ લાયસન્સ ધરાવતા નહીં હોવાનું ધ્યાને આવે તો તેમને ફ્ક્ત લાયસન્સ મેળવી લેજો તેવી સૂચના અપાય છે અકળ કારણોસર નોટિસ અપાતી નથી. સુચના આપ્યા બાદ તે સૂચનાનું પાલન થયું કે નહીં તેનું બીજી વખત ચેકીંગ પણ થતું નથી.આવા કારણોસર ધંધાર્થી તંત્રવાહકોને ગંભીરતાથી લેતા નથી.
૨૫ લાખની વસ્તી, ૧૮ વોર્ડમાં પાંચ ઓફિસર
રાજકોટ શહેરની ૨૫ લાખની વસ્તી અને મહાનગરના સરેરાશ ૭૦થી ૮૦ હજારની વસ્તીના ૧૮ વોર્ડમાં ફક્ત પાંચ ફૂડ સેફ્ટી ઓફિસર કાર્યરત છે. ચેકીંગ, સેમ્પલિંગ, કોર્ટ કેસ, ફૂડ લેબોરેટરી સાથેની કાર્યવાહી સહિતની તમામ કામગીરી તેમણે જ કરવાની રહે છે. ખરેખર રાજકોટની વસ્તી અને વિસ્તાર મુજબ ૧૮ ફૂડ સેફ્ટી ઓફિસરની જરૂરિયાત છે.