BREAKING NEWS

ગુજરાતમાં વાહનચાલકો ખાસ નોંધ લે, ટ્રાફિકની દરેક ફરિયાદ કે સહાય માટે ડાયલ કરો '112' નંબર

  • July 31, 2026 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાગરિકોની સુવિધા અને ઝડપી પ્રતિસાદ સુનિશ્ચિત કરવાના હેતુથી ગુજરાત પોલીસ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં ટ્રાફિક સંબંધિત તમામ ફરિયાદો અને રજૂઆતો માટે અલગ અલગ નંબર યાદ રાખવાને બદલે માત્ર એક જ રાષ્ટ્રીય સ્તરની ઇમરજન્સી હેલ્પલાઇન નંબર '૧૧૨' (ERSS) નો ઉપયોગ કરવાનો રહેશે. આજથી, એટલે કે તા. ૧ ઓગસ્ટ ૨૦૨૬થી, ટ્રાફિકની ફરિયાદો માટેનો જૂનો હેલ્પલાઇન નંબર આ નવી સિસ્ટમ સાથે સત્તાવાર રીતે સંકલિત કરી દેવામાં આવ્યો છે.


રાજ્ય પોલીસની સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના જણાવ્યા અનુસાર, અગાઉ ટ્રાફિક ફરિયાદો માટે કાર્યરત જૂના ટોલ-ફ્રી નંબર પર નાગરિકો તરફથી પ્રમાણમાં ખૂબ ઓછી ફરિયાદો નોંધાતી હતી. આથી, ભારત સરકારની ‘ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ’ અંતર્ગત તમામ પ્રકારની આકસ્મિક અને નાગરિક સેવાઓને એક જ છત નીચે લાવવાના ભાગરૂપે આ મર્જર કરવામાં આવ્યું છે. જો કે, એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર ટેલિફોનિક હેલ્પલાઇન નંબર બદલાયો છે, જ્યારે ઓનલાઇન અને મોબાઈલ એપ આધારિત ફરિયાદો નોંધવાના અન્ય તમામ માધ્યમો અગાઉની જેમ જ યથાવત રહેશે.


બીજી બાજુ, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંભવિત વરસાદી માહોલ અને આફતને ધ્યાનમાં રાખીને વાહનચાલકોની સુવિધા માટે વિશેષ સૂચનાઓ જારી કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય કે માર્ગો પર વૃક્ષો ધરાશાયી થવાને લીધે ટ્રાફિક જામની પરિસ્થિતિ ઊભી થાય, ત્યારે નાગરિકો ત્વરિત સહાય અને માર્ગદર્શન મેળવવા માટે હવે સીધો '૧૧૨' નંબર પર સંપર્ક કરી શકશે.


કટોકટી અને વરસાદી ઇમરજન્સીના સમયમાં વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે અને રાજ્યમાં ટ્રાફિક વ્યવસ્થાનું સુચારુ સંચાલન થઈ શકે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. રાજ્યના તમામ નાગરિકોને ટ્રાફિક વ્યવસ્થાને વધુ વેગવાન અને સુચારુ બનાવવા માટે પોલીસ તંત્રને સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application