BREAKING NEWS

જામનગર મહાનગરપાલિકાને માત્ર ૮૫ કરોડની કરાઇ ફાળવણી

  • December 17, 2025 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ જામનગર મહાપાલીકાને માત્ર રૂ.૮૫ કરોડની મામુલી ફાળવણી કરવામાં આવી છે, આજે બપોરે મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, નેતા આશીષ જોશી, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદી અને દંડક કેતન નાખવાને શૈલા ઓડીટોરીયમ હોલ ખાતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ચેક આપવામાં આવ્યો હતો. 


જામનગર શહેરના વિકાસ માટે અગાઉ કોર્પોરેશનના પદાધિકારીઓએ રૂ.૧ હજાર કરોડના અનુદાનની વિવિધ પ્રોજેકટો માટે માંગણી કરી હતી જેમાં રંગમતી રીવરફ્રન્ટ માટે વધુ રકમની ફાળવણી કરવા મુખ્યમંત્રીને વિનવણી કરી હતી, આજે ગુજરાતની આઠેય મહાપાલીકાના પદાધિકારીઓને કુલ રૂ.૨૮૦૦ કરોડની રકમમાંથી અનુદાન આપવામાં આવ્યું હતું જેમાં જામનગરને માત્ર રૂ.૮૫ કરોડ આપવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી કનુભાઇ દેસાઇ, રાજયમંત્રી દર્શનાબેન વાઘેલા સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતાં. 


જામનગરમાં ઠેબા બાયપાસ ચોકડી, સમર્પણ સર્કલ, સૈનિક ભવન પાસે ઓવરબ્રિજ તેમજ લાલપુર બાયપાસ ચોકડી પાસે પણ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, ઉપરાંત શહેરના મુખ્ય રસ્તાઓ પર પેચવર્ક તેમજ ભુજીયા કોઠાથી રણમલ તળાવના અંદરના ભાગ સુધી નાનો બ્રિજ અને રૂ.૬૦૦ કરોડના ખર્ચે ફલાય ઓવરબ્રિજ બનાવવાના પ્રોજેકટ પણ હાથ ઉપર છે, એટલે કે જામનગરના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ થશે ત્યારે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ સરકારે હાલ તો જામનગરને રૂ.૮૫ કરોડની ફાળવણી કરી છે, જો કે એવું પણ જાણવા મળ્યું છે કે, જેમ-જેમ વિકાસના કામો થતાં રહેશે અને પ્રોજેકટ રીપોર્ટ સરકારમાં અપાશે તેમ-તેમ વધુ રકમની ફાળવણી કરવામાં આવશે. 


એવી પણ વાત બહાર આવી છે કે, જામનગરને અવારનવાર અન્યાય થાય છે, જેની સામે રાજકોટ અને અમદાવાદને દર વખતે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અને અન્ય યોજના હેઠળ રકમ ફાળવવામાં આવે છે, પરંતુ જામનગરમાં રૂ.૬૦૦ કરોડનો રિવરફ્રન્ટ પાસ થઇ ગયો છે તેની સામે હજુ કોઇ નિશ્ર્ચિત રકમ ફાળવવામાં આવી નથી, અત્યારે તો માત્ર ૮૫ કરોડની રકમ ફાળવાઇ છે તે જામનગર માટે ખરેખર ઓછી કહી શકાય. 


સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, શહેરની વસ્તી અને વિકાસ કામો અંતર્ગત આ પ્રકારના નાણા ફાળવવામાં આવતા હોય છે, આઠ નગરપાલીકા વચ્ચે ૨૮૦૦ કરોડની માતબર રકમ ફાળવાઇ છે જેમાં હજુ કોને કેટલી રકમ ફાળવાઇ તે અંગે સતાવાર જાહેરાત થઇ નથી. પરંતુ હાલ તો જે મળે તે મીઠુ કરવું તેમ રાજકીય અગ્રણીઓ પણ આ ઓછી રકમ અંગે બોલી શકે તેમ નથી. ત્યારે આ યોજના હેઠળ હાલ તો સરકાર તરફથી જામનગરને અન્યાય થયો છે એવો ચણભણાટ શરૂ થઇ ચુકયો છે અને આ ચેક લેવા માટે જામ્યુકોના પદાધિકારીઓ અને મ્યુ.કમિશ્નર પણ અમદાવાદ પહોંચી ગયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application