BREAKING NEWS

ગિરનાર પર્વત પર માત્ર સાત ડિગ્રી: ઠંડા પવનોએ ધ્રુજાવ્યા

  • November 17, 2025 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગઈકાલે મોડી સાંજથી ઠંડા પવનો ફુકાવાનું શરૂ થયું હતું. આજે સવારે તેની તીવ્રતા વધી ગઈ હતી. લઘુતમ તાપમાનના પ્રમાણમાં પણ ચાર ડિગ્રી સુધીનો ઘટાડો એક ઝાટકે નોંધાયો છે અને તેના કારણે ઠંડીની તીવ્રતા એકાએક વધી રહી છે. ગિરનાર પર્વત ઉપર લઘુતમ તાપમાનમાં મોટો કડાકો બોલી ગયો છે અને આજે સવારે માત્ર સાત ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે ભેજનું પ્રમાણ 80 ટકા જેટલું હોવાના કારણે ઠંડીની સાથોસાથ ઠાર પણ લોકો અનુભવી રહ્યા છે.

ભવનાથ તળેટીમાં 10 અને જુનાગઢ શહેરમાં ૧૨ ડિગ્રી લઘુતમ તાપમાન આજે સવારે નોંધાયું છે.

ભાવનગરમાં ગઈકાલે લઘુતમ તાપમાન 19.8 ડિગ્રી હતું તેમાં આજે ૪ ડિગ્રીનો ઘટાડો થયો છે અને આજનું લઘુતમ તાપમાન 15.9 ડિગ્રી નોંધાયું છે. રાજકોટમાં ગઈકાલે 14.4 અને આજે 14 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.

નલિયામાં આજનું લઘુતમ તાપમાન 10.8 ડિગ્રી રહેવા પામ્યું છે જે ગઈકાલના 12.4 ડિગ્રીની સરખામણીએ બે ડિગ્રી જેટલું ઓછું છે. ભુજમાં એકાદ ડિગ્રીના ઘટાડા સાથે આજે 15.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. અમરેલીમાં આજે 11.4 પોરબંદરમાં 14 કંડલામાં ૧૬.૧ દ્વારકામાં 19.5 ઓખામાં 22.7 અને વેરાવળમાં 19.1 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.

ડીસામાં 13.6 વડોદરામાં 12.4 ગાંધીનગરમાં ૧૨.૮ સુરતમાં 19.4 ડિગ્રી લઘુતમ તાપમાન આજે રહ્યું છે.

લઘુતમ તાપમાનમાં ઘટાડા છતા બપોરે ગરમીનું જોર યથાવત છે. રાજકોટ સુરત ભુજ દમણ સહિતના રાજ્યના અનેક શહેરોમાં ગઈકાલે મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું હતું. જોકે રાજ્યના અન્ય શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રી કે તેનાથી નીચે આવી ગયો છે.

ગુજરાત જેવું જ વાતાવરણ દેશના અનેક રાજ્યોમાં જોવા મળે છે, હવામાન વિભાગે મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર વિદર્ભ અને છત્તીસગઢ માટે કોલ્ડ વેવની ચેતવણી આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application