જામનગરમાં મુખ્ય માર્ગો પર માપદંડ અને નિયમોનો ઉલાળીયો કરી મૂકવામાં આવેલી ગેપ એટલે કે ક્રોસીંગની હારમાળાથી ટ્રાફીક સમસ્યાએ હદ વટાવી છે. ત્યારે આજકાલ દ્વારા મુખ્ય માર્ગો પર ગેપના કારણે રોજ ચકકાજામથી વાહનચાલકો કેવી યાતના ભોગવી રહ્યા છે તેના તસ્વીર સાથેના અહેવાલની લોકલક્ષી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ ઝુંબેશને સફળતા મળી છે. કારણ કે, તાજેતરમાં મળેલી માર્ગ સલામતીની બેઠકમાં શહેરના મુખ્ય માર્ગો પર બિનજરૂરી ગેપ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આટલું જ નહીં આ બેઠકમાં ટ્રાફીક,આરટીઓ અને જામ્યુકોને અધિકારીઓની કમીટી બનાવી માર્ગોનો સર્વે કરી ગેપ પેક કરવા ઉચ્ચ અધિકારીએ મૌખીક સૂચના આપી છે. આથી આગામી દિવસોમાં માર્ગો પરના ગેપ બુરવા જરૂરી કાર્યવાહી થતા શહેરમાં ટ્રાફીક સમસ્યા હળવી બનશે.
જામનગરમાં શહેરમાં ટ્રાફીકથી સતત ધમધમતા મુખ્ય માર્ગો પર ગેપમાં જંકશન ટુ જંકશન અને મેઇન રોડ ટુ ક્રોસીંગના માપદંડના નિયમો નેવે મૂકી મૂકાયેલા ગેપ એટલે કે ક્રોસીંગથી ટ્રાફીક સમસ્યાએ અજગરી ભરડો લીધો છે. આટલું જ નહીં માર્ગ અકસ્માતના બનાવ વધતા આ ગેપ શહેરીજનો માટે આફત બન્યા છે. ત્યારે આજકાલ દ્રારા ખાસ ઝુંબેશ શરૂ કરી ગેપના કારણે માર્ગો પર ટ્રાફીકની સમસ્યા કઇ હદે વકરી છે તેના તસ્વીર સાથેના અહેવાલ પ્રકાશીત કરી લોકલક્ષી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં શહેરના ટ્રાફીકથી ધમધમતા ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ અને ત્યારબાદ પીએન માર્ગ પર અંબર સર્કલથી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, શરૂ સેકશન રોડ, અન્નપૂર્ણા ચોકડીથી હાપા માર્કેટીંગ યાર્ડ અને ગુલાબનગર, જનતા ફાટક તથા સાધના કોલોનીથી લાલપુર બાયપાસ ચોકડી સુધીનો માર્ગ તથા પવનચકકીથી દિગ્વિજય પ્લોટ એટલે કે ઓશવાળ હોસ્પિટલ, ઉધોગો માટે ચાવીરૂપ હીરજી મિસ્ત્રી રોડ પર નિયમો નેવે મૂકી બનાવેલા ગેપથી ટ્રાફીક સમસ્યા નાસૂર બનતા દરરોજ ચકકાજામના વરવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.
આમ છતાં શહેરના અમુક મુખ્ય માર્ગો પર ગેપ રાજકીય અડચણને કારણે બુરાતા ન હોવાનું સરેઆમ ચર્ચાઇ રહ્યું છે. જેના કારણે શહેરીજનો ટ્રાફીક સમસ્યાની યાતના ભોગવી રહ્યા છે. આટલું જ નહીં ટ્રાફીક અને અકસ્માત સર્જી રહ્યા હોય યુઘ્ધના ધોરણે બિનજરૂરી ગેપ બુરવાનો સ્પષ્ટ મત શહેરીજનોએ વ્યકત કર્યો છે. આમ છતાં મહાનગરપાલીકાના સતાધીશો અને અધિકારીઓ દ્રારા આંખ આડા કાન કરવામાં આવતા સંવેદનશીલ સરકારના દાવા સામે સવાલ ઉભા થયા છે.
પરંતુ આજકાલ દ્રારા માર્ગો પર ટ્રાફીક સમસ્યા વધારાતા અને અકસ્માતને આમંત્રણ આપતા બિનજરૂરી ગેપ બુરવા શરૂ કરેલી લોકલક્ષી ઝુંબેશને સફળતા મળી છે. કારણ કે, શનિવારે કલેકટર કચેરીમાં માર્ગ સલામતીની બેઠક મળી હતી. જેમાં આરટીઓ, ટ્રાફીક, મહાનગરપાલીકા તથા અન્ય સંબધીત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બેઠકમાં આજકાલ દ્વારા માર્ગો પર ગેપના કારણે સર્જાતી ચકકાજામની સ્થિતિ અને તેના કારણે વાહનચાલકોને પડતી હાડમારી અંગે તસ્વીર સાથે પ્રકાશીત કરેલા અહેવાલો રજૂ થયા હતાં. જેને અનુલક્ષીને બેઠકમાં ઉચ્ચ અધિકારીએ માર્ગો પર ટ્રાફીક સમસ્યાના દૂષણને નિવારવા બીનજરૂરી ગેપ તાકીદે બુરવા મૌખીક સૂચના આપી છે. આટલું જ નહીં આ માટે મહાનગરપાલીકા, આરટીઓ અને ટ્રાફીક પોલીસના અધિકારીઓની કમીટી બનાવી આ કમીટી દ્રારા શહેરના મુખ્ય માર્ગો પર મૂકવામાં આવેલા ગેપનો સર્વે કરી તાકીદે બીનજરૂરી ગેપ પેક કરવા પણ જણાવ્યું છે. ત્યારે આગામી દીવસોમાં શહેરના મુખ્ય માર્ગો પરના બીનજરૂરી ગેપ બુરાય જાય તો શહેરીજનોને ટ્રાફીક સમસ્યામાંથી રાહત મળશે અને અકસ્માતનું પ્રમાણ પણ ઘટશે તેમાં બેમત નથી.