ગુજરાતમાં શિક્ષકોને ફરી એકવાર શિક્ષણ સિવાયની કામગીરી સોંપાતા નવો વિવાદ ઊભો થયો છે. SIRની કામગીરીમાંથી હજી સુધી શિક્ષકો મુક્ત થયા નથી, ત્યાં જ હવે પોતાની શાળા અને આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓની ગણતરી કરવા માટેનો આદેશ આપવામાં આવતા રાજકીય ગરમાવો વધ્યો છે. રાજ્યના નાયબ શિક્ષણ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને લઈને કોંગ્રેસે કડક વાંધો ઉઠાવ્યો છે અને આ નિર્ણય તાત્કાલિક રદ કરવાની માગ કરી છે.
આ જગ્યાએ કૂતરા ગણવાના
પરિપત્ર મુજબ, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર રાજ્યની તમામ સંસ્થાઓ જેમ કે હોસ્પિટલ, દવાખાના, શૈક્ષણિક સંસ્થા, બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન માટે તેમના પરિસરમાં રહેલા કૂતરાઓની સંખ્યા અંગે સચોટ માહિતી રાખવી ફરજિયાત છે. આ સૂચનાના અમલ માટે રાજ્યની શાળાઓને પોતાના પરિસર અને આસપાસના વિસ્તારમાં રહેતા રખડતા કૂતરાઓનો સર્વે કરી વિગતો પાઠવવા કહેવામાં આવ્યું છે.
કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આશરે 3 હજાર જેટલી શાળાઓ એવી છે જે એક જ શિક્ષકથી સંચાલિત થાય છે. આવા સંજોગોમાં શિક્ષકોને વારંવાર બિનશૈક્ષણિક કામગીરી સોંપવાથી શિક્ષણની ગુણવત્તા પર સીધી અસર પડે છે. તેમણે આક્ષેપ કર્યો કે શિક્ષકોને શૌચાલય ગણતરી, વિવિધ કાર્યક્રમોમાં ભીડ એકત્રિત કરવી, ચૂંટણીની ફરજ, SIR જેવી કામગીરી બાદ હવે કૂતરાઓની ગણતરી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે, જેના કારણે વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પૂરતો સમય આપી શકાતો નથી.

શું નિર્ણય લેવાશે તે પર સૌની નજર ટકેલી
દોશીએ સવાલ ઉઠાવ્યો કે રાજ્યમાં શું શિક્ષકો સિવાય અન્ય કોઈ તંત્ર નથી જે આવી કામગીરી સંભાળી શકે? શિક્ષણ વિભાગે શિક્ષકોને તેમના મૂળ કાર્ય એટલે કે શિક્ષણ પર કેન્દ્રિત રહેવા દેવું જોઈએ. તેમણે રાજ્ય સરકારને આ પરિપત્ર તાત્કાલિક રદ કરી શિક્ષણ વ્યવસ્થાને પ્રાથમિકતા આપવાની અપીલ કરી છે. આ મુદ્દે શિક્ષણ જગતમાં પણ ચર્ચા જોર પકડતી જોવા મળી રહી છે અને આગળ શું નિર્ણય લેવાશે તે પર સૌની નજર ટકેલી છે.