નાના થઈ રહ્યા છે આપણા ચાંદામામા ૪૦ કરોડ વર્ષમાં ત્રિજ્યા ૧૪૮ ફૂટ ઘટી
નાના થઈ રહ્યા છે આપણા ચાંદામામા ૪૦ કરોડ વર્ષમાં ત્રિજ્યા ૧૪૮ ફૂટ ઘટી
October 20, 2026 10:47 AM
એક તરફ નાસા પોતાના 'આર્ટિમિસ' જેવા આગામી મિશનો દ્વારા ચંદ્ર પર માનવ વસાહત બનાવવાની યોજના બનાવી રહ્યું છે, તો બીજી તરફ 'ધ પ્લેનેટરી સાયન્સ જર્નલ'માં પ્રકાશિત એક નવા અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પૃથ્વીનો એકમાત્ર નૈસર્ગિક ઉપગ્રહ ચંદ્ર સતત સંકોચાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ૪૦ કરોડ વર્ષોમાં ચંદ્રની ત્રિજ્યા આશરે ૧૪૮ ફૂટ એટલે કે લગભગ ૪૫ મીટર જેટલી ઘટી ગઈ છે.સ્મિથસોનિયનના નેશનલ એર એન્ડ સ્પેસ મ્યુઝિયમના વૈજ્ઞાનિક થોમસ આર. વાટર્સના નેતૃત્વમાં આ સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોના મતે ચંદ્રના અંદરના ભાગો સતત ઠંડા થઈ રહ્યા છે, જેના કારણે તે સંકોચાઈ રહ્યો છે. હાલની ક્ષમતા અને ઝડપ મુજબ ચંદ્ર દર ૧૦ લાખ વર્ષમાં ૬ થી ૧૧ સેન્ટિમીટર જેટલો સંકોચાઈ રહ્યો છે. જોકે વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે આ સંકોચાવવાનો અર્થ એ નથી કે ચંદ્ર ભવિષ્યમાં આકાશમાંથી ગાયબ થઈ જશે.આ મહત્વપૂર્ણ અભ્યાસ 'લૂનર રીકોનેસિસ ઓર્બિટર કેમેરા' દ્વારા છેલ્લા ૧૭ વર્ષોમાં એકત્રિત કરવામાં આવેલા આંકડા અને લાખો તસવીરોના ગહન વિશ્લેષણ પર આધારિત છે. ૧૭ વર્ષના ડેટા પરથી વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું છે કે ચંદ્રની અંદર ચાલી રહેલી સંકોચનની આ સતત પ્રક્રિયાને કારણે તેની સપાટી પર ભૌગોલિક ફેરફારો થઈ રહ્યા છે.સંકોચનની આ પ્રક્રિયાના પરિણામે ચંદ્રની સપાટી પર રહસ્યમય આંચકા એટલે કે 'મૂનક્વેક' (ચંદ્રકંપ) આવી રહ્યા છે અને મોટી તિરાડો પડી રહી છે. પૃથ્વી પર આવતા ભૂકંપ કરતા વિપરીત, ચંદ્ર પર આવતા આંચકા ખૂબ જ શક્તિશાળી હોય છે અને તે કલાકો સુધી રહી રહીને ચાલુ રહે છે. આ આંચકાઓને કારણે ચંદ્રની સપાટી પર મોટા પાયે ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) પણ થઈ રહ્યું છે, જે ભવિષ્યના અંતરિક્ષ અભિયાનો અને માનવ વસાહતો માટે ગંભીર ચિંતાનો વિષય બન્યું છે.