ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં ફરજ બજાવતા સિસ્ટર ઇન્ચાર્જના સ્ટાફમાં બદલી અને બઢતીની નીતિને લઈને ભારે અસંતોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સિનિયોરિટી અને મેરિટને બાજુ પર મૂકીને હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયા સામે સ્ટાફે વિરોધ નોંધાવ્યો છે અને ન્યાય મેળવવા માટે આ સમગ્ર મામલો આખરે રાજ્યના સચિવાલય સુધી પહોંચ્યો છે.જીએમઇઆરએસના સિસ્ટર ઇન્ચાર્જ સ્ટાફ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપીને આ નીતિમાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે. માર્ચ મહિનામાં બહાર પાડવામાં આવેલા પ્રમોશન હુકમ અંતર્ગત સ્થળ પસંદગી માટે દંપતી, વિધવા, છૂટાછેડા અને ગંભીર બીમારી ધરાવતા કર્મચારીઓને અગ્રતાક્રમ (પ્રાયોરિટી) આપવાનું નક્કી કરાયું હતું. સ્ટાફનો આક્ષેપ છે કે આ નીતિના કારણે વર્ષોથી સેવા આપતા સિનિયર અને મેરિટ ધરાવતા સ્ટાફને ભારે અન્યાય થયો છે અને તેઓ પોતાની પસંદગીના સ્થળે જવાથી વંચિત રહી ગયા છે.સિનિયર નર્સિંગ સ્ટાફે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે તેમના પર પણ વૃદ્ધ માતા-પિતા, નાના બાળકો અને પોતાના નાદુરસ્ત સ્વાસ્થ્યની સંભાળ રાખવા સહિતની ઘણી પારિવારિક જવાબદારીઓ રહેલી છે. આમ છતાં, તેઓ હાલ પોતાના પરિવારથી દૂર રહીને અને લાંબા અંતરની મુસાફરી કરીને પણ નિયમિતપણે પોતાની ફરજ બજાવી રહ્યા છે. વર્તમાન નીતિના કારણે તેમની વ્યાવસાયિક ફરજો અને પારિવારિક જીવન વચ્ચે સંતુલન જાળવવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.અગાઉના વર્ષ ૨૦૨૩માં એએનએસ અને ડીએનએસની બઢતી પ્રક્રિયા માત્ર મેરિટ અને સિનિયોરિટીના આધારે જ કરવામાં આવી હતી. તેથી સ્ટાફે સવાલ ઉઠાવ્યો છે કે નર્સિંગ ઇન્ચાર્જની બઢતીમાં મેરિટ આધારિત પસંદગીનો નિયમ કેમ રદ કરવામાં આવ્યો? કર્મચારીઓએ કુદરતી ન્યાયના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આ અન્યાયી નીતિ પર તાત્કાલિક પુનઃ વિચારણા કરવા અને સિનિયોરિટી તેમજ મેરિટના આધારે યોગ્ય નિર્ણય લેવાની વિનંતી કરી છે.