BREAKING NEWS

દ. ગુજરાતમાં કુદરતી આફતઃ કપરાડામાં 19 ઈંચથી વધુ વરસાદ, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા, વાહનચાલકોને હાલાકી

  • July 22, 2026 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન (ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે છ વાગ્યા સુધી) રાજ્યના 173 તાલુકાઓમાં સામાન્ય ઝાપટાથી મુશળધાર વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેવી સ્થતિ સર્જાઈ છે. સૌથી વધુ વલસાડના કપરાડામાં 32 કલાકમાં 19 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અતિભારે વરસાદની આગાહીના પગલે આજે નવસારી જિલ્લામાં કલેક્ટર દ્વારા શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.


આજે સવારે છથી બપોરે બે વાગ્યા સુધીના આઠ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના ૧૦૪થી વધુ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, જેમાં વલસાડ તાલુકામાં સૌથી વધુ ૨૦૯ મીમી (૮.૨૩ ઇંચ) વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉમરગામમાં ૧૬૮ મીમી (૬.૬૧ ઇંચ) અને પારડીમાં ૧૬૬ મીમી (૬.૫૪ ઇંચ) વરસાદ વરસ્યો છે.  


સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પણ ૧૪૭ મીમી (૫.૭૯ ઇંચ) ભારે વરસાદ ખાબક્યો છે. જ્યારે નવસારીના ગણદેવીમાં ૧૨૯ મીમી અને ચીખલીમાં ૧૨૨ મીમી વરસાદ નોંધાયો છે. તાપી જિલ્લાના વાલોડ અને વ્યારા તાલુકામાં પણ અનુક્રમે ૧૧૩ મીમી અને ૧૦૭ મીમી વરસાદ પડ્યો છે. આ સિવાય સૌરાષ્ટ્રના મોરબી, જામજોધપુર તથા જૂનાગઢ અને ઉત્તર-મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ હળવો થી મધ્યમ વરસાદ નોંધાયો છે.  


24 કલાકના વરસાદની વાત કરીએ તો નાનાપોંઢામાં ૨૮૦ મિમી (૧૧.૦૨ ઈંચ), પારડીમાં ૨૩૮ મિમી (૯.૩૭ ઈંચ), વલસાડ તાલુકામાં ૨૧૧ મિમી (૮.૩૧ ઈંચ) અને વાપીમાં ૧૮૫ મિમી (૭.૨૮ ઈંચ) વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ થયો છે, જેમાં ચીખલીમાં ૨૪૪ મિમી (૯.૬૧ ઈંચ), વાંસદામાં ૨૩૫ મિમી (૯.૨૫ ઈંચ) અને ખેરગામમાં ૨૦૧ મિમી (૭.૯૧ ઈંચ) વરસાદ ખાબક્યો છે.


ડાંગ જિલ્લાના વાઘઈ તાલુકામાં ૧૮૩ મિમી (૭.૨૦ ઈંચ) અને ડાંગ-આહવા વિસ્તારમાં ૧૨૮ મિમી (૫.૦૪ ઈંચ) વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના બારડોલીમાં ૧૩૭ મિમી (૫.૩૯ ઈંચ), પલસાણામાં ૧૧૯ મિમી (૪.૬૯ ઈંચ) અને સુરત શહેરમાં ૧૦૮ મિમી (૪.૨૫ ઈંચ) વરસાદ થતાં જનજીવન પ્રભાવિત થયું છે. તાપી જિલ્લાના ડોલવણમાં ૯૯ મિમી (૩.૯૦ ઈંચ) અને ઉચ્છલ-સોનગઢ પંથકમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.


ભરૂચના હંસોટ અને વાલિયા, વડોદરા શહેર તથા આણંદ જિલ્લાના ખંભાળિયા અને પેટલાદ વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ૧ થી ૨૦ મિમી સુધીના હળવા વરસાદી ઝાપટાં પડ્યા છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.


આજે સવારે છ થી આઠ વાગ્યા સુધીના બે કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી છે, જેમાં વલસાડ તાલુકામાં સૌથી વધુ ૫૨ મિમી (૨.૦૫ ઈંચ) વરસાદ નોંધાયો છે.

તાપી જિલ્લાના વ્યારામાં ૪૯ મિમી (૧.૯૩ ઈંચ) અને વાલોડમાં ૪૫ મિમી (૧.૭૭ ઈંચ) વરસાદ પડ્યો છે. આ ઉપરાંત નવસારીના ચીખલીમાં ૪૦ મિમી, ગણદેવીમાં ૩૭ મિમી અને મોરબીમાં ૩૨ મિમી વરસાદ નોંધાયો છે. સુરત, ડાંગ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા છે.


સુરત-વલસાડમાં એનડીઆરએફ-એસડીઆરએફની ટીમો તૈનાત

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 48 કલાકથી આફતનો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર પંથક જળબંબાકાર થયો છે. અતિભારે વરસાદની ગંભીર સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર દ્વારા સુરત અને વલસાડમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. સ્થિતિની નાજુકતાને ધ્યાને રાખીને રાહત અને બચાવ કામગીરી માટે એસડીઆરએફની વધુ ત્રણ પ્લાટુન પણ રવાના કરવામાં આવી હતી.


દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દાદરા નગર હવેલી માટે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સમગ્ર રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


નાનાપોંઢામાં પૂરમાં મુસાફરો ભરેલી બસ ફસાઈ

વલસાડ જિલ્લામાં મેઘરાજા આફત બનીને વરસી રહ્યા છે, ત્યારે જિલ્લામાં પૂરની પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. નાનાપોંઢાથી અંભેટી તરફ જતા મુખ્ય રસ્તા પર નદી-નાળાના પાણી ફરી વળતાં વાપીથી અંભેટી અને નાનાપોંઢાને જોડતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. રસ્તા પર ભયજનક સપાટીએ પાણી વહી રહ્યા હોવા છતાં પસાર થવાનો પ્રયાસ કરતી એક ખાનગી બસ પૂરના પાણી વચ્ચે ફસાઈ ગઈ હતી. જેને પગલે મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા. જોકે રેસ્ક્યૂ ટીમ દ્વારા મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.


સુરત ભારે વરસાદથી ખાડી ઓવરફલો, સ્કૂલોમાં રજા જાહેર

સુરતમાં પણ ભારે વરસાદથી ભેદવાડ ખાડી ઓવરફલો થઈ છે. આથી ઠેર ઠેર શહેરમાં પાણી ભરાયા છે અને સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. સુરતમાં ભારે વરસાદને પગલે પૂર્વ ઝોન-બી વિસ્તારમાં આવેલી આદર્શ નિવાસી શાળાના 31 વિદ્યાર્થીઓ, 54 વિદ્યાર્થીનીઓ તથા 15 સ્ટાફ સભ્યોને સુરક્ષિત રીતે નજીકના એસએમસી રિલીફ સેન્ટર ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. દવાડ ખાડી નજીક આવેલ પ્રેમનગર જેવા વિસ્તારોમાં પાણી ભરાવાથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે


બીલીમોરામાં નદી કાંઠાના 30 ગામોને એલર્ટ કરાયા

નવસારી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કાવેરી નદી 19 ફૂટની ભયજનક સપાટી વટાવી 20 ફૂટ પર વહેતા બીલીમોરા શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે નદી કાંઠાના 30 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી જિલ્લા કલેકટર મનીષ ગુરવાની અને તેમનું તંત્ર પૂર્ણ રીતે એલર્ટ મોડ પર છે, જેમણે ઈમરજન્સી બેઠકો યોજીને બે એસડીઆરએફ ટીમો તૈનાત કરી છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 45 લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે અને સ્ટેટ ડિઝાસ્ટર વિભાગ સાથે સતત સંકલન સાધીને સ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે.


અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે સહિત 463 માર્ગો બંધ

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ભારતનો અતિ મહત્વપૂર્ણ ગણાતો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે 48 ભારે પ્રભાવિત થયો છે. કુંડી અને સરોણ ગામ વચ્ચે નેશનલ હાઇવે પર ગોઠણસમા પાણી ભરાઈ જતાં બંને બાજુનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. પાણીમાં અનેક વાહનો બંધ પડી જતાં વાહનચાલકો અટવાયા છે. તેમજ રાજ્યના નવ જિલ્લાઓમાં વાહનવ્યવહાર પર મોટી અસર પડી છે. વલસાડમાં સૌથી વધુ 281, નવસારીમાં 131, તાપીમાં 18 અને સુરતમાં 12 માર્ગો બંધ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application