આજે જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન આપના નેતાઓ સૌરભ ભારદ્વાજ, સંજીવ ઝા, અનુરાગ ધાંડા, આતિશી અને સંજય સિંહ સહિત ૫૦૦થી વધુ પ્રદર્શનકારીઓ હાજર હતા. આપએ દાવો કર્યો છે કે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે જંતર-મંતર પહોંચેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી, પાર્ટીના દિલ્હી યુનિટના પ્રમુખ સૌરભ ભારદ્વાજ અને ધારાસભ્ય સંજીવ ઝાની દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. એક્સપર એક પોસ્ટમાં આપએ જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન હોવા છતાં, દિલ્હી પોલીસે ધારાસભ્ય સંજીવ ઝા અને સૌરભની અટકાયત કરી છે. સાથે જ પાર્ટીએ લોકોને શાંતિપૂર્ણ રીતે આ પ્રદર્શનમાં જોડાવા માટે અપીલ કરી કહ્યું કે આ આંદોલન ચાલુ રહેશે.
નેહા બોરા સહિત ૧૫૦ લોકોની અટકાયત
દિલ્હી અને મુંબઈમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. જેમાં પોલીસે એઆઈએસએની રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરા સહિત ૧૫૦થી વધુ પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે. તેમણે કહ્યું, તમે દેશ સાથે જે કર્યું છે તે બદલ દેશ તમને ક્યારેય માફ નહીં કરે.