ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા લાંચિયા સરકારી કર્મચારીઓ સામે ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે એક મોટું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. ચોટીલા ગ્રામ્ય-૨ PGVCL સબ ડિવિઝન કચેરીમાં ફરજ બજાવતા વર્ગ-૪ ના હેલ્પર બીપીનભાઈ ભરતભાઈ પારેજીયાને એક જાગૃત નાગરિક પાસેથી રૂ.૬૦,૦૦૦ ની રોકડ લાંચ સ્વીકારતા રાજકોટ ગ્રામ્ય એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. વાડીના વીજ કનેક્શનનું મીટર ઉતારી લઈ મોટો દંડ ન ફટકારવા પેટે આ લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, એક જાગૃત નાગરિકની વાડીએ લાગેલું પીજીવીસીએલનું મીટર ઉતારી લેવામાં આવ્યું હતું અને તેમની સામે વીજ ચોરી કે નિયમભંગનો મોટો દંડ ન ફટકારવા તેમજ મામલો થાળે પાડી આપવા બદલ આરોપી હેલ્પર બીપીનભાઈ પારેજીયાએ રૂપિયા ૭૦,૦૦૦ ની માતબર રકમની ગેરકાયદે લાંચની માંગણી કરી હતી. બાદમાં અરસપરસની રકઝકના અંતે આરોપી હેલ્પર રૂ.૬૦,૦00 રોકડા સ્વીકારવા તૈયાર થયો હતો. જોકે, ફરિયાદી ખેડૂત લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ભ્રષ્ટાચાર સામે લડત આપવાનો નિર્ણય કરી ત્વરિત રાજકોટ ગ્રામ્ય એસીબીનો સંપર્ક સાધીને સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
નાગરિકની આ ફરિયાદને આધારે રાજકોટ ગ્રામ્ય એસીબીની ટીમે પૂરતા આયોજન સાથે ચોટીલા ગ્રામ્ય-૨ પીજીવીસીએલ કચેરી ખાતે લાંચનું છટકું (ટ્રેપ) ગોઠવ્યું હતું. અગાઉના આયોજન મુજબ, ફરિયાદી જ્યારે આરોપી બીપીનભાઈ પારેજીયાને નક્કી થયેલી લાંચના રૂ.૬૦,૦૦૦ રોકડા આપવા ગયા અને આરોપીએ તે સ્વીકાર્યા, તે જ સમયે પહેલેથી જ વોચમાં રહેલી એસીબીની ટીમે દરોડો પાડીને તેને સ્થળ પર જ રંગેહાથ ઝડપી લીધો હતો. એસીબીએ આરોપી પાસેથી લાંચની રકમ પણ કબજે કરી લીધી છે.
આ સમગ્ર કાર્યવાહી બાદ એસીબી દ્વારા પકડાયેલા આરોપી હેલ્પર સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની અટકાયત કરવામાં આવી છે. આ કૌભાંડમાં માત્ર આ હેલ્પર એકલો જ સંડોવાયેલો છે કે પછી આ ષડયંત્રમાં PGVCL કચેરીના અન્ય કોઈ ઉચ્ચ અધિકારીઓ કે કર્મચારીઓની પણ સંડોવણી છે, તે દિશામાં એસીબી દ્વારા હાલ સઘન તપાસ અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.