સુરતમાં કુખ્યાત સલમાન લસ્સી પર ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ કરતા અફરાતફરી મચી ગઈ હતી. સલમાન લસ્સીને ઝડપવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ પર આરોપીએ છરીથી હુમલો કર્યો હતો. આથી પીઆઈએ સ્વ-બચાવમાં ફાયરિંગ કર્યું હતું. સલમાન લસ્સીના પગમાંથી ગોળી આરપાર નીકળી ગઈ હતી. આથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.
મળતી માહિતી મુજબ, સુરત શહેરમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમબ્રાંચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાંચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી. જોકે, ધરપકડથી બચવા સલમાન લસ્સીએ PI સોઢા પર છરીથી હુમલો કરતાં PIએ સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી. હાલમાં આરોપીને સારવારમાં ખસેડી પોલીસે વધી તપાસ શરૂ કરી છે.
રાતે 3 વાગ્યે બનાવ બન્યો
ક્રાઇમ બ્રાંચના પીઆઇ કિરણ મોદી અને પીઆઇ પી. કે. સોઢાની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, સુરતના ભેસ્તાનમાં 21 ઓક્ટોબરના થયેલી હત્યા અને અન્ય 15થી 17 ગુનાનો વોન્ટેડ આરોપી સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં છૂપાઈને રહે છે. આ જાણ બાદ ક્રાઈમ બ્રાન્ચની 25 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમ આજે (6 નવેમ્બર) સવારના 3 વાગ્યાએ ડાભેલ ગામમાં પહોંચી હતી. આ એક હાઈ-સ્પીડ, હાઈ-સ્ટેક ઓપરેશન હતું.
ક્રાઈમ બ્રાંચની ટીમે આસપાસના મકાનો પણ કોર્ડન કરી લીધા હતા
ક્રાઈમ બ્રાંચે સલમાન લસ્સી જે મકાનમાં છૂપાયેલો હતો, તેની આસપાસના પાંચ મકાનોને ચારેબાજુથી કોર્ડન કરી લીધા હતા, જેથી તે છત પરથી કૂદીને ભાગી ન શકે. એક ટીમ આગળના દરવાજા પર હતી, જ્યારે બીજી પાછળના ભાગે સંતાયેલી હતી. ક્રાઈમ બ્રાંચે આરોપી માટે ભાગી છૂટવાનો કોઈ રસ્તો બાકી રાખ્યો નહોતો. સલમાન લસ્સી જે રૂમમાં છુપાયો હતો, તે રૂમ અંદરથી બંધ હતો, પરંતુ તેને ખબર પડી ગઈ કે પોલીસ તેને પકડવા આવી ગઈ છે. ક્રાઈમ બ્રાંચે તેને આત્મસમર્પણ કરવા માટે કહ્યું, પરંતુ અંદર છુપાયેલો લસ્સી બહાર આવવા તૈયાર નહોતો. મકાનના આગળના ભાગમાં તેના પરિવારજનો હતા, જ્યારે પોતે પાછળના ખૂણામાં ભરાઈને બેઠો હતો.
PIને છરીનો મારવાનો પ્રયાસ કરતા ફાયરિંગ
જ્યારે પોલીસે ઘેરો વધુ મજબૂત બનાવ્યો, ત્યારે આરોપી સલમાન લસ્સીએ ધરપકડથી બચવા એક ખતરનાક ચાલ રમી. તેણે સૌથી પહેલા ક્રાઈમ બ્રાંચના બંને પીઆઇને છરી બતાવી હતી. આ દરમિયાન તેણે PI પી.કે. સોઢાને છરી મારવાની કોશિશ કરી હતી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિની ગંભીરતા અને જીવનું જોખમ જોતાં PI પી. કે. સોઢાએ જવાબી કાર્યવાહીમાં અને પોતાના સ્વબચાવમાં તાત્કાલિક પોતાની સર્વિસ રિવોલ્વરથી સલમાન લસ્સીના જમણા પગ પર ગોળી ધરબી દીધી હતી.
આરોપીની ધરપકડ કરી સારવારમાં ખસેડાયો
સવારના 3.15 વાગ્યાની આસપાસ ડાબેલ ગામનો આશિયાના મહોલ્લો અચાનક ગોળીબારના અવાજથી ગુંજી ઊઠ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે કુખ્યાત આરોપી સલમાન લસ્સીને પકડવા માટે આ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઘટનામાં પોલીસ ટીમના કોઈ સભ્યને ઇજા થઈ નહોતી. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો અને હુમલો નિષ્ફળ બનાવ્યો હતો. અંતે, ગોળી વાગ્યા બાદ સલમાન લસ્સીની ધરપકડ કરવામાં આવી હતી.
હોસ્પિટલના સૂત્રો અનુસાર, ધરપકડ દરમિયાન લસ્સીના જમણા પગમાં ગોળી વાગી છે. ગોળી તેના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ, જેના કારણે તેને ફ્રેક્ચર થયું છે. હાલ તેને વોર્ડમાં ખસેડીને એક્સ-રે બાદ તાત્કાલિક સારવાર અપાઈ રહી છે.