BREAKING NEWS

હજીરા ગ્રીન સ્ટીલના ઉત્પાદન માટે જાણીતું બનશે, રસ્તા પર દોડતી તમામ બસો ઈલેક્ટ્રિક હશેઃ સુરતમાં પીએમ મોદીએ ગ્રીન ગ્રોથ અને સ્વચ્છતાનો આપ્યો મંત્ર

  • June 05, 2026 06:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડાયમંડ સિટી સુરતના મહેમાન બન્યા હતા. સુરત આગમન સાથે જ તેમણે સમગ્ર દક્ષિણ ગુજરાતને રૂ. ૧૮,૭૭૮ કરોડના અધધ કહી શકાય તેવા વિવિધ વિકાસકાર્યોની ઐતિહાસિક ભેટ આપી હતી. અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદીએ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે એક વિશાળ જનમેદનીને સંબોધિત કરી હતી. પોતાના સંબોધનમાં તેમણે સુરતીઓના ઉત્સાહને બિરદાવ્યો હતો અને સ્થાનિક સ્વરાજ્ય તેમજ સામાન્ય ચૂંટણીઓમાં ભાજપને મળેલા પ્રચંડ સમર્થન બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો.


‘ચૂંટણીમાં જનતાએ જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા’

પીએમ મોદીએ ભાવુક થઈને જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સામાન્ય ચૂંટણીઓ પછી તેઓ પહેલીવાર સુરત આવ્યા છે. તેમણે સુરતની ધરતી પરથી તમામ ગુજરાતવાસીઓને વંદન કરતા કહ્યું કે, "તમે છેલ્લા અઢી દસકથી વધુ સમયથી ભાજપને નિરંતર આશીર્વાદ આપી રહ્યા છો અને સમયની સાથે આ આશીર્વાદ સતત વધતો જ જાય છે." હાલની ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, ગુજરાતની જનતાએ આ વખતે એવું પ્રચંડ સમર્થન આપ્યું છે કે જૂના તમામ રેકોર્ડ તૂટી ગયા છે, એટલું જ નહીં પરંતુ મુખ્યમંત્રી તરીકેનો તેમનો પોતાનો જૂનો રેકોર્ડ પણ જનતાએ તોડી નાખ્યો છે. આ વિજય સત્તા માટે નહીં પરંતુ સેવાના મિશનને વધુ વિસ્તાર આપવા માટે છે અને હવે આપણે 'વિકસિત ગુજરાતથી વિકસિત ભારત'ના સંકલ્પને સિદ્ધ કરવા બહુ મહેનત કરવાની છે.


પ્લેગથી પ્રભાવિત સુરત આજે સ્વચ્છતાનું મોડેલ: કચરાની ભેટ બદલ આભાર

વડાપ્રધાને સુરતના અદભુત પરિવર્તનની પ્રશંસા કરતા કહ્યું કે, "સુરત એ માત્ર એક શહેર નથી, પરંતુ એક અનોખો સ્પિરિટ છે." તેમણે જૂના દિવસો યાદ કરતા જણાવ્યું કે, જે સુરત એક સમયે પ્લેગ જેવી ભયંકર મહામારીથી પ્રભાવિત હતું, તે આજે દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં અગ્રેસર છે. સુરતીઓએ સ્વચ્છતાને હંમેશા પોતાની પ્રાથમિકતા બનાવી છે. પીએમ મોદીએ એક રસપ્રદ વાત શેર કરતા કહ્યું કે, સુરતના એક લાખથી વધુ લોકોએ સતત ૫ દિવસ સુધી સફાઈ અભિયાન ચલાવીને શહેરનો કચરો સાફ કર્યો અને એ કચરો મને ભેટ આપ્યો છે. આ મારા માટે કોઈ પણ કિંમતી સોગાદ કરતાં મોટી ભેટ છે, જેના માટે હું સમગ્ર સુરતનો હૃદયપૂર્વક આભાર માનું છું.


પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જમાં ગુજરાત દેશનું પ્રેરણારૂપ

પીએમ મોદીએ ક્લાયમેટ ચેન્જ અને પર્યાવરણ સુરક્ષા ક્ષેત્રે ગુજરાતની અગ્રેસર ભૂમિકા રેખાંકિત કરી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતે આ સદીની શરૂઆતમાં જ (વર્ષો પહેલાં) ક્લાયમેટ ચેન્જ માટે એક અલગ સમર્પિત વિભાગ બનાવ્યો હતો અને આવી અદ્યતન વ્યવસ્થા ઊભી કરનાર ગુજરાત દેશનું સર્વપ્રથમ રાજ્ય હતું. એટલું જ નહીં, ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં ભારતનો પ્રથમ વિશાળ સોલાર પ્લાન્ટ સ્થાપીને ગુજરાતે સમગ્ર દેશને ગ્રીન એનર્જી તરફ આગળ વધવાની પ્રેરણા આપી હતી. આજે ભારત પ્રકૃતિની રક્ષા સાથે પ્રગતિ કરવાના મૂળ મંત્ર સાથે આગળ વધી રહ્યું છે.


‘ગ્રીન ફ્યુચર’ તરફ ભારતની મજબૂત કદમબોસી

દુનિયામાં ચાલી રહેલા ઊર્જા સંકટ વચ્ચે વડાપ્રધાને દેશની આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, પહેલા કોરોના મહામારી, પછી વૈશ્વિક યુદ્ધો અને હવે ઊર્જા સંકટે આખી દુનિયાને અસ્તવ્યસ્ત કરી દીધી છે. વૈશ્વિક બજારમાં પેટ્રોલના ભાવમાં સતત ઉતાર-ચઢાવ છે અને ગેસની સપ્લાય ચેન તૂટી ગઈ છે, પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોના સંયુક્ત પ્રયાસોથી દેશ દરેક સંકટનો મજબૂતીથી સામનો કરી રહ્યો છે. એકતરફ દેશે તેલ-ગેસની આંતરિક સપ્લાય નિશ્ચિત કરી છે, તો બીજી તરફ રિન્યુએબલ એનર્જીમાં રોકાણ વધાર્યું છે. ૧૨ વર્ષ પહેલાં ભારતમાં સૌર ઊર્જાનું ઉત્પાદન નામપૂરતું હતું, જ્યારે આજે ભારત સૌર ઊર્જાના ઉત્પાદનમાં વિશ્વના ટોપ-૫ દેશોમાં સ્થાન ધરાવે છે. આ ઉપરાંત ભારતે ઇથેનોલ બ્લેન્ડિંગની ક્ષમતા વધારી છે, રેલવેના વિદ્યુતિકરણને અભૂતપૂર્વ ગતિ આપી છે, પરમાણુ ઊર્જા ક્ષેત્રે મોટું કામ કર્યું છે અને ગેસ પાઇપલાઇન તેમજ પોર્ટ્સની કેપેસિટીનું આધુનિકીકરણ કર્યું છે.


સુરત બનશે ગ્રીન સ્ટીલ અને ૧૦૦% ઈલેક્ટ્રિક બસોનું શહેર

આવનારા સમયના સુરતની ઝાંખી કરાવતા પીએમ મોદીએ જણાવ્યું કે, સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. આ ઉપરાંત આગામી દિવસોમાં હજીરા ઇન્ડસ્ટ્રીયલ એરિયા સમગ્ર વિશ્વમાં 'ગ્રીન સ્ટીલ'ના ઉત્પાદન માટે એક નવું હબ બનશે. સુરત હવે પર્યાવરણની સુરક્ષા સાથે ગ્રીન ગ્રોથ તરફ એવી રીતે આગળ વધી રહ્યું છે કે ખૂબ જ ટૂંક સમયમાં સુરતના રસ્તાઓ પર દોડતી તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ બસો ૧૦૦ ટકા ઈલેક્ટ્રિક હશે, જેનાથી વાયુ પ્રદૂષણમાં મોટો ઘટાડો થશે.


સર્ક્યુલર વોટર ઇકોનોમી અને પાણીની સુવિધા

પીએમ મોદીએ સુરતની અદભુત વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે 'સર્ક્યુલર વોટર ઇકોનોમી'ના મુક્તકંઠે વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, સુરતમાં શહેરના વેસ્ટ વોટર (ગંદા પાણી)ને આધુનિક પ્લાન્ટ્સમાં ટ્રીટ કરીને શુદ્ધ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને સ્થાનિક ઉદ્યોગોને સપ્લાય કરવામાં આવે છે. આ મોડેલથી બેવડો ફાયદો થાય છે: એક તરફ દૂષિત પાણીનું યોગ્ય મેનેજમેન્ટ થાય છે અને બીજી તરફ વેસ્ટ પાણીમાંથી કમાણી પણ થાય છે. છેલ્લા ૧૨ વર્ષથી દેશમાં ચાલી રહેલું 'વેસ્ટ ટુ વેલ્થ' (કચરામાંથી કંચન)નું જનઆંદોલન શહેરોને ગ્રીન બનાવવામાં સફળ રહ્યું છે. તેમણે સુરતીઓને આશ્વસ્ત કર્યા હતા કે, આજે સંપન્ન થયેલા પ્રોજેક્ટ્સના કારણે હવે આવનારા અનેક દાયકાઓ સુધી સુરતના નાગરિકો માટે પીવાના શુદ્ધ પાણીની કાયમી વ્યવસ્થા થઈ ગઈ છે. અંતમાં તેમણે ખેડૂતોને જમીનની ફળદ્રુપતા બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવાનું પણ આહવાન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News