BREAKING NEWS

પીએમ મોદીનું હેલિકોપ્ટર બેડી યાર્ડના હેલિપેડ ઉપર ઉતરશે

  • January 09, 2026 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત સૌરાષ્ટ્ર કચ્છની રિજનલ ગુજરાત વાઇબ્રન્ટ કોન્ફરન્સના ઉદ્ઘાટન માટે આગામી તા.૧૧ જાન્યુઆરીને રવિવારના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાજકોટ આવી રહ્યા છે ત્યારે સોમનાથથી રાજકોટ આવી તેઓ હિરાસર એરપોર્ટ ખાતે ઉતરશે કે સીધા જ મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચશે તે અંગે હાલ સુધી અટકળો થઇ રહી હતી પરંતુ હવે રાજકોટના બેડી સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડ ખાતે પીએમ મોદી માટે ત્રણ હેલિપેડનું નિર્માણ કરાતા એ સ્પષ્ટ થયું છે કે પીએમ મોદી સોમનાથથી હેલીકોપ્ટરમાં રવાના થઇ સીધા જ બેડી માર્કેટ યાર્ડ સંકુલમાં ઉતરશે અને ત્યાંથી કારમાં મારવાડી યુનિવર્સિટી ખાતે પહોંચશે તેમ જાણવા મળે છે.

વિશેષમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે, બેડી માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ત્રણ હેલિપેડનું નિર્માણ કરાયું છે ત્યાં આગળ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનું હેલિકોપ્ટર ઉતરશે તેમ જાણવા મળ્યું છે. પીએમ ઉપરાંત તેમની સાથે રહેલા સુરક્ષા કાફલાના બે હેલિકોપ્ટર પણ યાર્ડ સંકુલમાં નિર્માણ કરાયેલા હેલિપેડ ખાતે ઉતરશે તેમ જાણવા મળે છે. યાર્ડ સંકુલમાં નિર્માણ કરાયેલા ત્રણ હેલિપેડની સુરક્ષા માટે હાલથી જ એસપીજીનો કાફલો તૈનાત હોવાનું તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ મોરબી હાઇવે ઉપરના બેડી માર્કેટ યાર્ડ ખાતે જ્યાં આગળ ત્રણ હેલિપેડનું નિર્માણ કરાયું છે તે નવનિર્મિત આરસીસી ગ્રાઉન્ડ છે. યાર્ડમાં કોટન શેડથી થોડે દૂર આવેલા વિશાળ ખુલ્લા મેદાનમાં હાલ સુધી પેવર હતો, ત્રણ મહિના પૂર્વે આ મેદાનમાં આરસીસી કરવા નિર્ણય લઇને પાંચ કરોડના ખર્ચે આરસીસી ગ્રાઉન્ડ નિર્માણ કરાયું છે. આ ગ્રાઉન્ડનું કામ પણ તાજેતરમાં જ પૂર્ણ થયું છે. યોગાનુયોગ આ આરસીસી ગ્રાઉન્ડ ખુલૂ મુકાય તે પૂર્વે તેનો પ્રથમ ઉપયોગ પીએમના હેલિપેડ માટે કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application