ઓપરેશન સિંદૂરને ઘણા મહિનાઓ વીતી ગયા છે તેમ છતાં આ કામગીરી હજુ સંપૂર્ણપણે પૂરી થઈ નથી; તેને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. જોકે, મે મહિનામાં આ ઓપરેશન દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું. હારથી ગુસ્સે થઈને, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના અનેક રહેણાંક વિસ્તારો પર મિસાઈલો છોડી હતી એટલું જ નહી,ઉરી હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટને પણ પાકિસ્તાન દ્વારા નિશાન બનાવવામાં આવ્યો હતો અને તેને ઉડાવી દેવા ડ્રોન મોકલવામાં આવ્યું હતું પરંતુ પાકની મુરાદ બર આવી નહી અને ડ્રોનને સીઆઈએસએફના જવાનોએ હવામાં જ તોડી પાડ્યું હતું. અહી જણાવી દઈએ કે આ પ્લાન્ટ એલઓસી નજીક જ આવેલો છે. તાજેતરમાં સીઆઈએસએફના જવાનોની આ બહાદુરી બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું ત્યારે આ બાબત જગત સામે ઉજાગર થઈ છે.
ડિરેક્ટર જનરલે નવી દિલ્હીમાં સીઆઈએસએફ મુખ્યાલયમાં 19 કર્મચારીઓનું સન્માન કર્યું ત્યારે નિયંત્રણ રેખા પર શું બન્યું તેની માહિતી આપી હતી અને ઉમેર્યું હતું કે ,6 મે, 2025 ની રાત્રે, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં નિયંત્રણ રેખા નજીક છુપાયેલા આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા. જવાબમાં, પાકિસ્તાને ઉરી પાવર પ્રોજેક્ટ સહિત આસપાસના નાગરિકોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો. ઉરી પાવર પ્લાન્ટ નિયંત્રણ રેખાની ખૂબ નજીક છે.જેમાં એનએચપીસી ખાતે તૈનાત સીઆઈએસએફ યુનિટે બહાદુરી દર્શાવી.તે સમયે કમાન્ડર રવિ યાદવે ટીમનું નેતૃત્વ કર્યું. સીઆઈએસએફના જવાનોએ પહેલા ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવ્યા અને પછી નાગરિકોને સલામત સ્થળે ખસેડીને દરેકના જીવ બચાવ્યા.
ઉરી હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા, સીઆઈએસએફએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ નિયંત્રણ રેખાથી થોડા અંતરે સ્થિત છે. ઓપરેશન સિંદૂર દરમિયાન, સરકારની ગુપ્તચર વ્યવસ્થા મજબૂત હતી. બધા કર્મચારીઓ સંપૂર્ણપણે તૈયાર હતા. તે રાત્રે, ફક્ત એક નહીં, પરંતુ મોટી સંખ્યામાં ડ્રોનને હવામાં તોડી પાડવામાં આવ્યા, જેનાથી હજારો લોકોના જીવ બચી ગયા.