વિશ્વભરમાં પર્યાવરણની સ્થિતિ ચિંતાજનક રીતે બગડી રહી છે. સ્વિસ એર ક્વોલિટી મોનિટરિંગ કંપની 'આઇક્યુએર' દ્વારા બહાર પાડવામાં આવેલા વર્ષ 2025ના તાજા અહેવાલ મુજબ, પાકિસ્તાન વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ જાહેર થયો છે. આ અહેવાલ દર્શાવે છે કે દક્ષિણ એશિયાના દેશોમાં હવાની ગુણવત્તા એટલી હદે જોખમી બની ગઈ છે કે તે વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ) દ્વારા નક્કી કરવામાં આવેલા સુરક્ષિત માપદંડો કરતા અનેકગણી વધારે છે. જ્યારે ભારત અને ચીન છઠ્ઠા ક્રમે છે.
અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં હવામાં રહેલા અતિ સૂક્ષ્મ કણો એટલે કે પીએમ 2.5નું પ્રમાણ ડબલ્યુએચઓના ધોરણો કરતા 13 ગણું વધુ નોંધાયું છે. આ યાદીમાં પડોશી દેશો ભારત અને ચીન સંયુક્ત રીતે વિશ્વના છઠ્ઠા સૌથી પ્રદૂષિત દેશો તરીકે ઉભરી આવ્યા છે. જ્યારે હોતન શહેર પ્રદૂષિત શહેરોની યાદીમાં બીજા ક્રમે છે. વિશ્વના 25 સૌથી પ્રદૂષિત શહેરો પર નજર કરીએ તો તેમાં સૌથી વધુ શહેરો ભારત, પાકિસ્તાન અને ચીનના જ છે, જે એશિયામાં વાયુ પ્રદૂષણની ગંભીરતાને સ્પષ્ટ કરે છે.
ભારત માટે સૌથી ચોંકાવનારી વિગત એ છે કે ઉત્તર પ્રદેશનું લોની શહેર સમગ્ર વિશ્વમાં સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે. લોનીમાં સરેરાશ પીએમ 2.5નું સ્તર 112.5 નોંધાયું હતું, જે ડબલ્યુએચઓના પાંચ માઇક્રોગ્રામના સલામત ધોરણ કરતા 22 ગણું વધારે છે. આટલું પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે અને શ્વસન સંબંધી ગંભીર રોગોનું કારણ બની શકે છે.
દુનિયાના દસ સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ભારતના પાંચ શહેરોએ સ્થાન મેળવ્યું છે. જેમાં લોની ઉપરાંત બુર્નીહાટ, દેશની રાજધાની દિલ્હી, ગાઝિયાબાદ અને ઉલાનો સમાવેશ થાય છે. ઉદ્યોગોનો ધુમાડો, વાહનોનું ઉત્સર્જન અને ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે આ શહેરોમાં ઝેરી હવાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શિયાળા દરમિયાન આ સ્થિતિ વધુ વિકટ બને છે, જેના કારણે લાખો લોકોના સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે.
આઇક્યુએરનો આ અહેવાલ વિશ્વના દેશો માટે એક લાલબત્તી સમાન છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાન જેવા દેશોમાં વધતું પ્રદૂષણ અર્થતંત્ર અને જાહેર આરોગ્ય બંને માટે મોટો પડકાર છે. જો સમયસર કડક પર્યાવરણીય પગલાં લેવામાં નહીં આવે, તો આવનારા વર્ષોમાં હવાની ગુણવત્તા હજુ પણ વધુ જોખમી સ્તરે પહોંચી શકે છે.