BREAKING NEWS

સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાનની ભારતને ખુલ્લી ધમકી: કહ્યું- 'પાણી રોકવાનો પ્રયાસ કરનારાના હાથ કાપી નાખીશું'

  • June 30, 2026 06:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સિંધુ જળ સંધિ વિવાદ પર પાકિસ્તાને ફરી એકવાર ભારતને ખુલ્લી ધમકી આપી છે. પાકિસ્તાનના આબોહવા પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે એક વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું છે કે, સિંધુ જળ સંધિ હેઠળ પાકિસ્તાનના હિસ્સાના પાણી પર દાવો કરવાનો કે તેને રોકવાનો પ્રયાસ કરનારાઓના ઇસ્લામાબાદ હાથ કાપી નાખશે. 

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં યોજાયેલી એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આબોહવા પરિવર્તન મંત્રી મુસાદિક મલિક અને માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારે ભારત પર ગંભીર આરોપો લગાવ્યા હતા. મુસાદિક મલિકે ભારત પર પાકિસ્તાન તરફ આવતા પાણીના પુરવઠાને ગેરકાયદેસર રીતે નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, જો ઇસ્લામાબાદના પાણીના કાયદેસરના અધિકારોને કોઈપણ પ્રકારનું જોખમ ઊભું કરવામાં આવશે તો ભારતે તેના ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. પાકિસ્તાની મીડિયા આઉટલેટ્સમાં પણ મંત્રીઓના આ આક્રમક નિવેદનોને પ્રમુખતાથી બતાવવામાં આવી રહ્યા છે.

એક મીડિયા અહેવાલ અનુસાર, મંત્રી મુસાદિક મલિકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, પડોશી દેશના વડા પ્રધાન પાસે જાણે પાણીના નળ પર નિયંત્રણ છે. તેઓ વારંવાર એવું કહે છે કે તેઓ પાકિસ્તાનમાં પાણીનું એક ટીપું પણ વહેવા નહીં દે. પરંતુ અમે સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે અમે અમારા ભાગના પાણીનું રક્ષણ કરવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છીએ અને અમારો હક છીનવનારાઓને પાઠ ભણાવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ભારતને કોઈપણ સંજોગોમાં પાકિસ્તાન તરફ વહેતી નદીઓના પ્રવાહમાં અવરોધ ઊભો કરવા દેવામાં આવશે નહીં.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારે કાયદાકીય પાસાઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, સિંધુ જળ સંધિ એ બે દેશો વચ્ચેનો કાયદેસર રીતે બંધનકર્તા આંતરરાષ્ટ્રીય કરાર છે. ભારત આ સંધિનો એકપક્ષીય રીતે અંત લાવી શકે નહીં કે તેને સ્થગિત કરી શકે નહીં. તરારે દલીલ કરી હતી કે ભારતનો પક્ષ વૈશ્વિક સ્તરે કોઈપણ આંતરરાષ્ટ્રીય મંચ પર સ્વીકારવામાં આવ્યો નથી, તેથી જ આ સંધિ આજે પણ તેના મૂળ સ્વરૂપમાં અમલમાં છે. તેમણે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને સેના પ્રમુખ (આર્મી ચીફ) અસીમ મુનીરે પણ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે પાણી પાકિસ્તાન માટે જીવનરેખા હોવાની સાથે-સાથે એક 'લાલ રેખા' (રેડ લાઇન) છે, જેના પર કોઈ બાંધછોડ થઈ શકે નહીં.

પોતાના પક્ષને વૈશ્વિક સ્તરે મજબૂત કરવા માટે પાકિસ્તાન સરકાર દ્વારા એક મોટા પગલાની જાહેરાત કરવામાં આવી છે. માહિતી મંત્રી તરારે જણાવ્યું કે ઇસ્લામાબાદ આજે સિંધુ જળ સંધિ વિષય પર દેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરી રહ્યું છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી જાણીતા કાયદાકીય નિષ્ણાતો, જળ વ્યવસ્થાપનના વિજ્ઞાનીઓ અને વિદેશી પ્રતિનિધિઓ પાકિસ્તાન પહોંચી ચૂક્યા છે, જ્યાં પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાના જળ અધિકારોની રજૂઆત કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application