ચાલુ માસના મધ્ય ભાગમાં મોટાભાગની મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોની મુદત પૂરી થવામાં છે. ગ્રામ પંચાયતોની મુદત પણ સાથો સાથ પુરી થશે. નવી ચૂંટણી માટેની જોરદાર તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી ચાલતી હતી અને હવે તો રવિવાર તથા રજાના દિવસોએ પણ રાજ્ય ચૂંટણી આયોગમાં ઇલેક્શનની તૈયારીના કારણે કચેરી ચાલુ જ રહી છે. ચૂંટણી આયોગના વર્તુળોના જણાવ્યા મુજબ એપ્રિલ મહિનાના અંત ભાગમાં પંચાયતોની ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તેવી સંભાવના છે. ત્રણ તબક્કામાં ચૂંટણીઓ યોજવાની તૈયારી થઈ રહી છે અને ઇવીએમ તથા બેલેટ પેપરથી એમ બે સિસ્ટમથી ચૂંટણીઓ યોજાશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ અને કોલેજોની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ હશે અને તેના કારણે શિક્ષકો અધ્યાપકો સહિતનો સ્ટાફ ચૂંટણી માટે ઉપલબ્ધ થશે. શાળા કોલેજોના બિલ્ડીંગો પણ મતદાન મથક માટે ઉપયોગમાં લઈ શકાશે. આ તમામ બાબતોને જોતા એપ્રિલના અંતિમ સપ્તાહમાં ઇલેક્શનનું નોટિફિકેશન બહાર પડ્યા પછી શહેરી વિસ્તારમાં મે મહિનાના બીજા સપ્તાહમાં ચૂંટણીઓ યોજવામાં આવે તેવું જાણવામાં આવે છે.
ગાંધીનગરના ટોચના આધારભૂત સૂત્રો જણાવે છે કે પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી થયા પછી બીજા તબક્કામાં મે મહિનાના છેલ્લા સપ્તાહમાં જિલ્લા અને તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની ચૂંટણીઓ યોજવામાં આવશે. સૌથી છેલ્લે જૂન માસના પ્રથમ સપ્તાહમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેની તૈયારી ચાલી રહી છે. આમ અલગ અલગ ત્રણ તબક્કામાં ચૂંટણીઓ યોજાશે પરંતુ પરિણામ જેમ જેમ ચૂંટણી યોજાતી જાય તેમ તેમ જાહેર કરતા રહેવું કે એક સાથે બધા પરિણામો જાહેર કરવા તે બાબતે અલગ અલગ અભિપ્રાયો વ્યક્ત થઇ રહ્યા છે. જો પ્રથમ તબક્કાની ચૂંટણીના પરિણામ પ્રથમ જાહેર થઈ જાય તો તેની અસર બીજા અને ત્રીજા તબક્કાની ચૂંટણીના પરિણામો પર પડી શકે છે તેવો એક મત વ્યક્ત થઈ રહ્યો છે. લોકસભા અને વિધાનસભામાં પણ જ્યારે તબક્કાવાર ચૂંટણી યોજાઈ છે ત્યારે તમામ ચૂંટણીઓ સંપન્ન થયા પછી જ પરિણામ જાહેર થતા હોય છે. જોકે બીજો એક વર્ગ જેમ જેમ ચૂંટણી યોજાતી જાય તેમ તેમ પરિણામો જાહેર કરવાની માટેની તરફેણમાં છે. જો આમ થશે તો રાજકીય પક્ષો તેનો ભરપૂર વિરોધ પણ કરશે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી આ નિર્ણય અત્યારે પેન્ડિંગ રાખવામાં આવ્યો છે અને સમગ્ર ધ્યાન ચૂંટણીના આયોજન તરફ કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
માર્ચ મહિનાના મધ્ય ભાગમાં જ્યારે પંચાયતોમાં ચૂંટાયેલા વર્તમાન બોર્ડની મુદત પૂરી થાય તે સાથે જ વહીવટદારો નિમવા માટે પૂરી તૈયારી કરી દેવામાં આવી છે. થોડા સમય પહેલા ગેસ કેડરના અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં નાયબ મામલતદારોને મામલતદારના પ્રમોશન આપવામાં આવ્યા છે. આવા અધિકારીઓ આગામી દિવસોમાં વહીવટદાર તરીકે નિયુક્ત થાય તેવી શક્યતા છે.
અત્યારે તો રાજ્યભરમાં ગ્રામ્ય વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં જે તે જિલ્લાના કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના ટોચના અધિકારીઓ જાહેર કરાયેલા શેડ્યુલ મુજબ તાલુકા મથકોએ જાય છે. સરપંચોના પ્રશ્નો સાંભળે છે અને તેના ઝડપભેર ઉકેલ પણ લાવે છે. ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી ભંગાર રસ્તા, કૃષિ સહાય એવા મુદ્દાઓ સરકાર સામે હતા પરંતુ તેમાં ઘણું ડેમેજ કંટ્રોલ થયું છે અને હવે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના ચૂંટણીની કામગીરીમાં લાગશે જ્યારે નેતાઓ અને રાજકીય પક્ષો પ્રચારમાં લાગી જશે.
ચૂંટણીની તૈયારી સંદર્ભે ઇલેક્શન આયોગ દ્વારા આવતા સપ્તાહે તમામ જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તથા મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મીટીંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં ચૂંટણી માટેનું ખાસ મહેકમ ઉભું કરવા, સ્ટાફની નિમણૂક, તાલીમ, જવાબદારીની સોંપણી , પોલીસ બંદોબસ્ત, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જેવી બાબતોની ચર્ચા થશે. મતદારયાદી ફાઈનલ થઈ ગઈ છે અને મતદાન મથકો પણ ફાઇનલ થઈ ગયા છે. ગ્રામ પંચાયતોમાં બેલેટ પદ્ધતિથી અને મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયતોમાં ઈવીએમટીથી ચૂંટણી યોજવાની હોવાથી ઈવીએમ વીવીપેટ વગેરેની ઉપલબ્ધતા, મતગણતરી કેન્દ્રો જેવી બાબતો વિડિયો કોન્ફરન્સમાં ચર્ચામાં લેવાશે.