BREAKING NEWS

તો પેરિસ મુસ્લિમ શહેર બની જશે ટ્રમ્પે પ્રમુખ મેક્રોં ઉપર તોપ તાકી

  • October 20, 2026 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફ્રાન્સમાં ફાટી નીકળેલી હિંસા અને તોફાનો વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં સામે આકરા પ્રહારો કરતાં એવો દાવો કર્યો છે કે પેરિસ ટૂંક સમયમાં મુસ્લિમ શહેર બની જશે. ટ્રમ્પે ફ્રાન્સની ઇમિગ્રેશન નીતિ સામે સવાલ ઉઠાવતાં કહ્યું કે તેમણે મેક્રોંને વર્ષો પહેલાં જ ચેતવણી આપી હતી, પરંતુ મેક્રોંએ તેમની સલાહ માની નહીં અને હવે ફ્રાન્સે તેનું પરિણામ ભોગવવું પડી રહ્યું છે.વ્હાઇટ હાઉસની બહાર પત્રકારો સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે મેક્રોં તેમના મિત્ર છે, પરંતુ મિત્ર હોવાનો અર્થ તેમની ખોટી નીતિઓનું સમર્થન કરવાનો નથી. તેમણે ફ્રાન્સની સરહદો ઘણા સમય પહેલાં બંધ કરી દેવી જોઈતી હતી. દુનિયાના વિવિધ દેશોમાંથી મોટી સંખ્યામાં લોકોને પ્રવેશ આપવાથી ફ્રાન્સની સામાજિક અને સાંસ્કૃતિક ઓળખ બદલાઈ રહી હોવાનો દાવો પણ ટ્રમ્પે કર્યો.જોકે ફ્રાન્સમાં હાલ ચાલી રહેલા આંદોલનનાં મૂળ કારણો ઇમિગ્રેશન કરતાં અલગ છે. વિદ્યાર્થીઓએ શાળાઓમાં શિક્ષકોની અછત અને શિક્ષણની કથળેલી વ્યવસ્થા સામે વિરોધ શરૂ કર્યો હતો. ત્યારબાદ મોંઘવારી, જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ, સરકારી સેવાઓની ખરાબ સ્થિતિ અને સામાન્ય નાગરિકોની આર્થિક મુશ્કેલીઓના મુદ્દા તેમાં જોડાતાં આંદોલન દેશવ્યાપી બન્યું. કેટલાક સ્થળે દેખાવો હિંસક બન્યા અને આગચંપી તથા લૂંટફાટની ઘટનાઓ પણ નોંધાઈ.ફ્રાન્સના ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે હિંસાના સંબંધમાં આશરે ૨,૪૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. લગભગ ૧,૦૦૦ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને વેપારી સંગઠનોના જણાવ્યા અનુસાર આશરે ૩,૦૦૦ દુકાનોને અસર પહોંચી છે.પેરિસ ઉપરાંત લિલ અને નીસ સહિતનાં શહેરોમાં જાહેર સભાઓ તથા દેખાવો પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. પેરિસના પ્લાસ દ લા રિપબ્લિક અને લે આલ વિસ્તારોમાં રાત્રે ૧૧થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે.ફ્રાન્સના વડાપ્રધાન સેબાસ્તિયાં લેકોર્નુએ કહ્યું કે સમગ્ર પેરિસમાં કર્ફ્યૂ લાદવાને બદલે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પ્રતિબંધો મૂકવા વધુ યોગ્ય છે. જરૂર પડે તો કટોકટી જાહેર કરવાની શક્યતા પણ તેમણે નકારી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application