અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇ મથકેથી કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) દ્વારા 6.8 કિલો હેરોઇનના જથ્થા સાથે એક પુરુષ મુસાફરને ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ મુસાફર ચેન્નાઇનો રહીશ હોવાનું બહાર આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજાર મુજબ જપ્ત કરાયેલા હેરોઇનની કિંમત અંદાજે 30 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે.
મુસાફરના બેગમાંથી હેરોઇનના 29 પેકેટ મળી આવ્યા
કસ્ટમ્સ વિભાગના અધિકારીઓએ પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે તા. 9 ફેબ્રુઆરી 2026ના રોજ કુઆલાલંપુરથી અમદાવાદ આવતી એર એશિયા ફ્લાઇટ નંબર AK-91 દ્વારા આવેલા એક પુરુષ મુસાફરને અટકાવ્યો હતો. શંકાસ્પદ લાગતાં તેના સામાનની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મુસાફરના બેગમાંથી પ્રતિબંધિત માદક દ્રવ્ય ધરાવતા કુલ 29 પેકેટ મળી આવ્યા હતા.
સાબુના પેકેજિંગ બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો
આ હેરોઇનને કુદરતી અને હર્બલ સાબુના બારના સ્વરૂપમાં અત્યંત કુશળતાપૂર્વક છુપાવવામાં આવ્યું હતું. સાબુના પેકેજિંગ બોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ તપાસમાં સાબુના કોઈ વાસ્તવિક ઘટકો મળી આવ્યા ન હતા. આ ઉપરાંત ત્રણ સફેદ પરબિડીયાઓ પણ મળી આવી હતી. એક્સ-રે સ્ક્રીનિંગથી બચવા માટે હેરોઇનને ચાંદીના વરખ અને કાર્બન પેપરમાં લપેટવામાં આવ્યું હતું. પ્રારંભિક ટેસ્ટમાં આ પદાર્થ હેરોઇન હોવાનું પુષ્ટિ થયું છે.

મોબાઇલ ફોનના આધારે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી
કુલ મળીને 26 સાબુના કદના બોક્સ અને ત્રણ સફેદ પરબિડીયાઓમાંથી 6.8 કિલો હેરોઇન NDPS એક્ટ, 1985 હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે કસ્ટમ્સ વિભાગે મુસાફરની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન તેણે કબૂલાત કરી હતી કે ચેન્નાઇના એક વ્યક્તિએ તેને આ માલ આપ્યો હતો અને અમદાવાદ એરપોર્ટ પર કોઈ અજાણ્યા વ્યક્તિને સોંપવાનો હતો. આ કામ બદલ તેને 30 હજાર રૂપિયા મળવાના હતા. જો કે, મુસાફર પકડાઈ જતા કેરિયર ફોન ઉપાડવા આવ્યો નહોતો. મુસાફર પાસેથી મળેલા મોબાઇલ ફોનના આધારે હવે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
બંને મામલાઓમાં કસ્ટમ્સ વિભાગ દ્વારા વધુ તપાસ ચાલુ
બીજી તરફ, સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. તા. 9 ફેબ્રુઆરી, સોમવારના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ નંબર IX-263 ની તપાસ દરમિયાન વિમાનની સીટ નં. 20Aથી 20F અને 15F ની નીચે સેફ્ટી જેકેટ પાસેના પાઉચમાંથી સાત વેક્યુમ-પેક્ડ પોલિથિન પેકેટ મળી આવ્યા હતા. RFSL દ્વારા તપાસ કરતાં તેમાં હાઇડ્રોપોનિક ગાંજા હોવાનું જણાયું હતું. કુલ 3,756.57 ગ્રામ ગાંજા NDPS એક્ટ હેઠળ દાવો ન કરાયેલ પ્રતિબંધિત માલ તરીકે જપ્ત કરવામાં આવ્યો છે. બંને મામલાઓમાં કસ્ટમ્સ વિભાગ દ્વારા વધુ તપાસ ચાલુ છે.