એસટી બસમાં મુસાફરી દરમિયાન મોબાઈલ ફોનમાં ઉંચા અવાજે વાતો કરીને અન્ય મુસાફરોને ખલેલ પહોંચાડતા મુસાફરો ઉપર નિગમ દ્વારા પરીપત્રિત આદેશ દ્વારા નિયંત્રણો જારી કરવામાં આવ્યા છે. રાજ્યના તમામ વિભાગીય નિયામકો જોગ પરિપત્રો પ્રસિધ્ધ કરીને તમામ ડેપો મેનેજરોને આ મામલે સૂચિત કરવા જણાવ્યું છે.
ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના મુખ્ય પરિવહન અને વાણિજ્ય વ્યવસ્થાપકએ રાજ્યના તમામ ૧૬ ડિવિઝન અમદાવાદ, અમરેલી, વડોદરા, ભુજ, ભાવનગર, ભરૂચ, ગોધરા, નડીયાદ, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર, રાજકોટ, સુરત, અને વલસાડના વિભાગીય નિયામક જોગ જારી કરેલા પરીપત્રિત આદેશમાં જણાવ્યું છે કે, બસમાં મુસાફરી દરમિયાન મુસાફરો દ્વારા ઉંચા અવાજે મોબાઈલ ફોનનો વપરાશ ન કરે
તેની તકેદારી લેવાની જવાબદારી હવેથી બસના ક્રૂ મેમ્બર ( ડ્રાઈવર અને કંડક્ટર)ની રહેશે.
આદેશમાં વધુમાં જણાવ્યું છે કે, નિગમ દ્વારા રાજ્યની પ્રજાને સામાજિક સેવાના ભાગરૂપે દૈનિક ૩૩,૦૦૦થી વધુ ટ્રીપો સંચાલિત કરી ૨૭ લાખ મુસાફરોને લાંબા અને ટૂંકા અંતરની પરિવહન સેવાનો લાભ નિગમની વિવિધ પ્રકારની બસ સર્વિસો થકી મુસાફરલક્ષી અભિગમ દાખવી આપવામાં આવી રહેલ છે.આમ નિગમ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડવા શાંત,સ્વચ્છ,સલામત અને સમયબદ્ધ પરિવહન સેવા પૂરી પાડવા કટિબદ્ધ છે.નિગમની બસોમાં લાંબા અંતરની મુસાફરી દરમિયાન કેટલાક મુસાફરો દ્વારા ઉંચા અવાજે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી બસોમાં અન્ય મુસાફરી કરતા મુસાફરોને અડચણ અને ખલેલ પહોંચે છે. જેથી બસોમાં મુસાફરો વચ્ચે ઝઘડા કે મતભેદ થવાની શક્યતા રહે છે. આ સંજોગોમાં મુસાફરો માટે શાંતિપૂર્ણ મુસાફરીના વાતાવરણને જાળવી રાખવા માટે સંચાલન થતી બસ સર્વિસોમાં ફરજ બજાવતા ક્રૂ મારફત બસમાં હાજર મુસાફરોને પરીપત્રિત સૂચનાથી અવગત કરવા આપની કક્ષાએથી તાબા હેઠળના ડેપો મેનેજરોને જાણ કરવા જણાવવામાં આવે છે. વધુમાં આ સૂચનાઓનું પાલન થાય તે માટે જરૂરી ઘટતી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.મોબાઈલ ફોન ઉપયોગ દરમિયાન કૃપા કરીને હેડફોન વાપરો અને તમારા ફોનને સાઇલન્ટ મોડ ઉપર રાખો તેવું મુસાફરોને સૂચિત કરવાનું રહેશે.