BREAKING NEWS

જામનગર : ડીસેમ્બર આવ્યો હોવા છતાં પણ જોરદાર ઠંડી ન પડતા લોકોમાં આશ્ર્ચર્ય

  • December 01, 2025 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સામાન્ય રીતે ડીસેમ્બર મહીનામાં કડકડતી ઠંડી પડતી હોય છે અને તાપમાન ૯ થી ૧૦ ડીગ્રી જેટલું થઇ જાય છે, પરંતુ જામનગરનું તાપમાન ૧૨ ડીગ્રીથી ઓછુ થયું નથી, અત્યારે ઠંડી નહીં પડે તો કયારે પડશે તેમ લોકો કહી રહ્યા છે, એક તરફ માવઠાનો મારે ખેડુતોને ચિંતામાં મુકી દીધા છે અને બીજી તરફ હજુ પણ તાપમાન ૧૭ ડીગ્રી આસપાસ રહ્યા કરે છે, પવનની ઝડપ પણ ધીમી ગઇ છે ત્યારે લોકો હવે વધુ ઠંડી પડે તેની રાહ જોઇ રહ્યા છે.


જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૬ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૫ થી ૧૦ કિ.મીની ઝડપે રહી હતી. છેલ્લા અઠવાડીયા પહેલા ઠંડીનો પારો ૧૩ થી ૧૫ ડીગ્રી વચ્ચે રહ્યો હતો અને સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.


દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ ધીરે-ધીરે ઠંડી પડતી નથી, આ વખતે માવઠુ થયા બાદ આખુ ઋતુ ચક્ર બદલાઇ ગયું છે, જો કે તજજ્ઞો હજુ પણ કહે છે કે, ડીસેમ્બરમાં હજુ એક વાર માવઠુ થશે, ખેડુતો આ વખતે ભારે નુકશાનીનો ભોગ બન્યા છે, તેની સામે ૧૦ થી ૧૨ ટકા જેટલી માંડ સહાય ચુકવવાની કામગીરી શરૂ થઇ છે તે પણ ઝડપી બનાવવાની જરૂર છે, કયારેક-કયારેક ઝાકળ પડે છે, હવામાં ભેજમાં ફેરફાર થયા કરે છે ત્યારે જામનગરનું તાપમાન એક વખત ૧૨ ડીગ્રીએ પહોંચ્યું હતું, ત્યારબાદ ૧૫ થી ૧૭ ડીગ્રી રહ્યા કરે છે, હવામાન ખાતાની આગાહી સાચી પડે તો લોકોને પણ આનંદ આવે. ડીસેમ્બર આવી ચૂકયો છે, શિયાળાની મુદત કદાચ વધે તેવી શકયતા છે.


છેલ્લા અઠવાડીયાથી જામનગર શહેર અને આજુબાજુના ગામડાઓ તેમજ હાઇવે ઉપર ઝાકળનો માહોલ જોવા મળ્યો હતો જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતાં, જો કે હવામાન ખાતાએ આજથી સમગ્ર ગુજરાતમાં ઠંડી શરૂ થશે તેવું જણાવ્યું છે. જામનગરમાં જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં રોગચાળો વઘ્યો છે, મિશ્ર ઋતુને કારણે તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસવું જેવા દર્દો વધી રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમી, રાત્રે પાછી ઠંડી આવા વાતાવરણથી લોકો પણ કંટાળી ગયા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application