BREAKING NEWS

મધરાત્રે કચ્છની ધરા ધણધણી ઉઠી, 4.1ની તીવ્રતાના ભૂકંપથી લોકો ઘરોની બહાર દોડી આવ્યા

  • January 17, 2026 09:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપના આંચકાએ લોકોમાં ચિંતા ફેલાવી છે. સરહદી વિસ્તાર ખાવડા નજીક મોડીરાત્રે ભૂકંપનો આંચકો અનુભવાતા ઘણા લોકો ઊંઘમાંથી જાગી ગયા હતા. રીક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ભૂકંપ રાત્રે અંદાજે 1.22 વાગ્યે આવ્યો હતો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી લગભગ 55 કિલોમીટર દૂર નોંધાયું છે. આંચકો અનુભવાતાં કેટલાક ગામોમાં લોકો તાત્કાલિક ઘરની બહાર નીકળી આવ્યા હતા. થોડા સમય માટે ભય અને અફરાતફરી જોવા મળી હતી. જોકે, સદનસીબે આ ભૂકંપથી કોઈ જાનહાનિ કે મોટું આર્થિક નુકસાન થયાની માહિતી પ્રાપ્ત થઈ નથી.


ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં હળવા ભૂકંપના આંચકાઓ નોંધાયા છે. ગઈકાલે ભચાઉ અને રાપર પંથકમાં પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. સતત આવતાં આવા આંચકાઓને કારણે સ્થાનિક લોકોમાં ચિંતા વધી રહી છે.


કચ્છ વિસ્તાર ભૂગર્ભીય દૃષ્ટિએ અતિ સંવેદનશીલ માનવામાં આવે છે. ખાસ કરીને વાગડ ફોલ્ટલાઇન આસપાસ વારંવાર ભૂકંપની ઘટનાઓ નોંધાતી રહે છે. વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપને અઢી દાયકા જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ કચ્છની ધરા હજુ સંપૂર્ણપણે શાંત થઈ નથી.


સમયાંતરે આવતા હળવા અને મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકાઓ લોકોમાં ભયની લાગણી ઉભી કરે છે. સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો વધુ સતર્ક બની ગયા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને અફવા ન ફેલાવવાની તેમજ શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application