ગુજરાતમાં ગરમીએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ૪૩ ડિગ્રીને વટાવી ગયું છે, જ્યારે કંડલા એરપોર્ટ પર સીઝનનું સૌથી વધુ ૪૪.૩°C તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હીટવેવનો કહેર યથાવત રહેશે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.
અમદાવાદમાં 'ઓરેન્જ એલર્ટ'ની જાહેરાત
શહેરના હવામાનમાં આવેલા પલટાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગ દ્વારા આજથી આગામી છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૩.૪°C નોંધાયું છે, જે સામાન્ય કરતા લગભગ ૨ ડિગ્રી વધુ છે. આ આકરા તડકાને કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળે છે અને લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
આગામી ૩ દિવસમાં તાપમાન હજુ વધશે
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના નોર્થ ઈસ્ટ વિસ્તારમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગરમ પવનો ફૂંકાશે. જેના લીધે આગામી ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો હજુ પણ વધારો થઈ શકે છે. રાજ્યના ૧૨ જેટલા જિલ્લાઓમાં ગરમીનો પારો ૪૪ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
લોકોમાં ગરમીથી બચવા મથામણ
અંગ દઝાડતી ગરમીથી બચવા માટે લોકો હવે છત્રી, ટોપી અને દુપટ્ટાનો સહારો લઈ રહ્યા છે. બપોરના સમયે ઠંડા પીણાં અને શેરડીના રસના કેન્દ્રો પર ભીડ જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું છે, પરંતુ બાકીના સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકું અને ગરમ રહ્યું છે.
આરોગ્ય વિભાગની સૂચના
હીટવેવની સ્થિતિને જોતા આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે:
બપોરે ૧૨ થી ૪ ના સમયગાળામાં બિનજરૂરી બહાર ન નીકળવું.
શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વધુ પ્રવાહી લેવું.
સુતરાઉ અને હળવા રંગના કપડાં પહેરવા.
ચક્કર કે નબળાઈ જેવી અસર જણાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
આગામી એક સપ્તાહ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 'અગનગોળા' વરસશે તેવી શક્યતા છે, ત્યારે હીટ સ્ટ્રોકથી બચવું તે જ શ્રેષ્ઠ ઉપાય છે.
આગામી દિવસોની યલો એલર્ટ સાથે હીટવેવની ચેતવણી
દિવસ-1 (10 મે): કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને સુરત.
દિવસ-2 (11 મે): કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, વડોદરા અને સુરત.
દિવસ-3 (12 મે): કચ્છ, દ્વારકા, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ અને બનાસકાંઠા.
દિવસ 4 અને 5 (13-14 મે): ઉત્તર ગુજરાતના જિલ્લાઓ (બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ) અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ગરમીનું જોર ચાલુ રહેશે.