BREAKING NEWS

હવે વીમો, વીજળી, ટ્રાન્સપોર્ટ, હાઉસિંગ જાહેર સેવાના કેસોમાં સમાધાન માટે રાજકોટમાં કાયમી લોક અદાલત

  • October 14, 2026 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં નવી સ્થપાયેલી કાયમી લોક અદાલતના ચેરમેન નિવૃત્ત જજ એન. બી. પીઠવાએ જણાવ્યું હતું કે પ્રિલીટીગેશન સહિતના કેસોમાં સમાધાન માટે હાલ દર ત્રણ મહિને નેશનલ લોક અદાલત યોજવામાં આવી રહી છે, દરમિયાન સમાધાનમાં વધુ સરળતા લાવવાના હેતુથી રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા ખાસ કરીને પબ્લિક યુટીલીટીસ એટલે કે જાહેર સેવા સંસ્થાઓને લગતા કેસોના નિકાલ માટે રાજકોટ સહિત રાજ્યના ચાર મોટા શહેરોમાં કાયમી લોક અદાલત શરૂ કરવામાં આવી છે.

રાજકોટ ખાતે કાયમી લોક અદાલતના ચેરમેન તરીકે ચાર્જ સંભાળનાર પૂર્વ ડિસ્ટ્રિક્ટ જજ એન.બી. પીઠવાએ આજે જણાવ્યું હતું કે, રાજ્યમાં ન્યાય પ્રક્રિયાને વધુ સરળ, સુલભ અને ઝડપી બનાવવાના હેતુથી રાજકોટ ઉપરાંત અમદાવાદ વડોદરા અને સુરત રાજ્યના ચાર જિલ્લાઓમાં કાયમી લોક અદાલતની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે.

રાજકોટમાં કાયમી લોક અદાલતના ચેરમેન તરીકે મૂળ ગોંડલના વતની અને નિવૃત ડિસ્ટ્રીકટ જે.એન. પીઠવાએ ચેરમેનપદે ચાર્જ સભાળ્યા બાદ પ્રેસ કોંફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને સત્તામંડળો દ્વારા શરૂ કરવામાં આવેલી આ કાયમી લોક અદાલતોમાં ખાસ કરીને વીમો, જી.ઈ.બી., ટ્રાન્સપોર્ટ અને હાઉસિંગ જેવા મહત્વના જાહેર નાગરિક ક્ષેત્રોને લગતા કેસોની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ ક્ષેત્રો સાથે જોડાયેલા વિવાદોમાં અવારનવાર લાંબો સમય બગડતો હોય છે, જે હવે આ વ્યવસ્થાના માધ્યમથી ત્વરિત ઉકેલી શકાશે.

આ કાયમી લોક અદાલતની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન અને પેપરલેસ રાખવામાં આવી છે, જે ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક ઉત્તમ પગલું છે. કાયમી લોક અદાલતમાં કેસ મુકવા માટે અરજદારો અદાલતનો ધક્કો ખાવાની જરૂર નથી. ઓનલાઇન નામ, સરનામા, ફોન નંબર સાથે વિગતો રજૂ કરવાથી કાયમી લોક અદાલતમાં કાનૂની સહાય અને ન્યાય સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરો પાડવામાં આવશે, જેથી આર્થિક રીતે નબળા વર્ગો પણ વિના સંકોચે ન્યાય મેળવી શકશે. આગામી સમયમાં કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસોનું ભારે ભારણ ઘટાડવાના મુખ્ય ઉદ્દેશ્યથી આ અદાલતો શરૂ કરવામાં આવી છે. અહીં બંને પક્ષો વચ્ચે પરસ્પર સમાધાનના ધોરણે કેસનો નિકાલ કરવામાં આવતો હોવાથી અરજદાર અને ફરિયાદી બંનેને ઝડપી ન્યાયની સાથે સમય અને નાણાંની બચત પણ થાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે જો આ કાયમી લોક અદાલતમાં કોઈ વિવાદનું સમાધાન ન આવે, તો જ અરજદારે આગળની કાર્યવાહી માટે માત્ર હાઈકોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ રહે છે, જે ન્યાયિક પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application