BREAKING NEWS

યાજ્ઞિક રોડ, ન્યૂ જાગનાથની ધરતીમાંથી પેટ્રોલ નીકળવાનું છે..? બેફામ ખોદકામ

  • November 26, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં આવેલા પોશ બજાર વિસ્તાર ડૉ. યાજ્ઞિક રોડ, ડો.દસ્તુર માર્ગ અને ન્યુ જાગનાથ પ્લોટ વિસ્તારની ધરતીમાંથી જાણે પેટ્રોલ મળવાનું હોય તે હદે બેફામ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. પહેલા જૂના જાગનાથ પ્લોટ અને ત્યારબાદ ન્યૂ જાગનાથ પ્લોટ વિસ્તારમાં નવી ડીઆઇ લાઇન નાખવા માટે છેલ્લા બે મહિનાથી વધુ સમયથી લગાતાર ખોદકામ કરવામાં આવી રહ્યું છે જેનાથી રહીશો અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તાજેતરમાં સરદાર નગર મેઇન રોડની બન્ને બાજુ દુકાનોના પાર્કિંગ એરિયા ખોદી નાખ્યા બાદ હવે એસ્ટ્રોન ચોકથી ડો.કોશિયાની હોસ્પિટલવાળા રોડ ઉપર થઇને છેક મહાકાળી રોડ સુધીના રસ્તાની બંને બાજુ ખોદી નખાઇ છે, તદઉપરાંત ડો.દસ્તુર માર્ગ ઉપર પણ આજે સવારથી બેફામ ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર શહેરમાં ચોમેર ડામરકામનો ધમધમાટ શરૂ થઇ ગયો છે પરંતુ એક માત્ર ન્યૂ જાગનાથ પ્લોટ, યાજ્ઞિક રોડ અને દસ્તુર માર્ગ વિસ્તારમાં ખોદકામ પૂર્ણ થતું ન હોય રહીશો તેમજ વેપારી વર્ગ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. મહાપાલિકા તંત્ર આ વિસ્તારમાં હવે વ્હેલી તકે ખોદકામ પૂર્ણ કરી ડામર કામ શરૂ કરે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application