અગાઉ બે હથિયાર સાથે ઝડપાયેલી બેલડીની પુછતાછમાં સાવરકુંડલના શખસનું નામ ખુલ્યું હતું: પીસીબીની ટીમે આરોપીનો જેલમાંથી કબજો લઇ વધુ બે હથિયાર શોધી કાઢયા
પીસીબીની ટીમે હથિયારના સપ્લાયર સાવરકુંડલાના શખસનો જેલમાંથી કબજો લઇ સઘન પુછતાછ કરતા તેણે આજીડેમ સંગ્રહાલય પાસે હથિયાર છુપાવી રાખ્યાની કબુલાત આપી હતી. જે કબુલાતના આધારે પોલીસે પિસ્ટલ- તમંચો સહિત બે હથિયાર કબજે કર્યા હતાં.
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા ગેરકાયદે હથિયાર રખનાર શખસો સામે કડક કાર્યવાહી કરવા આપાયેલી સૂચનાના પગલે પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં એએસઆઇ મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ રાણાને મળેલ સંયુકત બાતમીના આધારે ગઈ તા.૧૮ ના રોજ ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ નંગ-ર તથા જીવતા કાર્ટીસ નંગ-૧૧ સાથે યાકીબ સિકંદર મામટી (રહે. નેહરુનગર મેઇન રોડ, રૈયા રોડ) અને અરબાઝ ઉર્ફે ફિરોઝ અમીન કાજી (રહે. હાથીખાના મેન રોડ, આર્ય સમાજ રોડ) ને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવામા આવી હતી.
આ ગુન્હાની તપાસ પીસીબી પીએસઆઇ આર.કે.જાડેજાએ આગળ વધારી પકડાયેલ ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ નંગ-૨ તથા જીવતા કાર્ટીસ નંગ-૧૧ હાલ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા આરોપી અકીલ સૈયદએ આપ્યા હોય. જેથી આરોપી અકીલ વલી સૈયદ (ઉ.વ.૩૦ રહે.સાવરકુંડલા જુના બસ સ્ટેન્ડ પાસે પઠાણ ફળીયુ) નો અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી કબ્જો લઈ કોર્ટમાંથી ૫ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં.
રિમાન્ડ દરમિયાન આરોપી અકીલ સૈયદની પુછતાછ કરતા તેણે આજીડેમ ચોકડી પાસે રવિવારી બજારની પાછળ આવેલા પ્રાણી સંગ્રાહાલય નજીક પાઇપ લાઇનના વાલ્વ પાસે પથ્થર નીચે થેલીમાં હથિયાર છુપાવી રાખ્યાની કબુલાત આપી હતી.જેથી પોલીસે આ શખસે છુપાવી રાખેલી ગેરકાયદેસર દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧ અને દેશી બનાવટના કટ્ટો (તમંચો) નંગ-૧ કબ્જે કરવામાં આવ્યો હતાં. જ્યારે પીસીબીની ટીમે હાલ સુધીમાં ત્રણ આરોપીઓને કુલ-૪ દેશી બનાવટના હથીયારો તથા જીવતા કાર્ટીસ નંગ-૧૧ પકડી પાડવામાં આવ્યા છે.