BREAKING NEWS

ગુજરાતમાં 5 લાખ વિદ્યાર્થીઓને એઆઈ તાલીમ આપવાની યોજના

  • October 21, 2026 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એ.આઈ)ના યુગ માટે તૈયાર કરવા શિક્ષણ વિભાગે ત્રણ સ્તરની તાલીમ યોજના તૈયાર કરી છે. ‘ગુજરાત એ.આઈ. ફોર એવરી સ્ટુડન્ટ મિશન 2026-27’ હેઠળ રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા પાંચ લાખ વિદ્યાર્થીઓને એ.આઈ.ની પ્રાથમિક સમજથી લઈને વિષય આધારિત ઉપયોગ અને રોજગારલક્ષી અદ્યતન કૌશલ્યોની તાલીમ આપવાનો પ્રસ્તાવ છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.20 કરોડની ફાળવણી સૂચવવામાં આવી છે.ઉચ્ચ શિક્ષણ વિભાગે તૈયાર કરેલા નીતિના મુસદ્દા મુજબ, આગામી 12 મહિનામાં 5,000 અધ્યાપકોને ‘એઆઈ માસ્ટર ટ્રેનર’ તરીકે તૈયાર કરવામાં આવશે. જોકે, આ યોજના માટે જરૂરી વહીવટી અને નાણાકીય મંજૂરી મળ્યા બાદ જ તેનો અમલ શરૂ થશે.આ યોજનાના પ્રથમ તબક્કામાં પાંચ લાખ વિદ્યાર્થીઓને એક કલાકનો ‘એ.આઈ.ફાઉન્ડેશન ફોર એવરી સ્ટુડન્ટ’ અભ્યાસક્રમ ભણાવવાનું આયોજન છે. તેમાં એ.આઈ.નો પરિચય, તેના વિવિધ ઉપયોગો, જનરેટિવ એ.આઈ. ટૂલ્સ, યોગ્ય પ્રોમ્પ્ટ તૈયાર કરવાની પદ્ધતિ અને અભ્યાસ તથા ઉત્પાદકતા વધારવા એ.આઈ.નો ઉપયોગ શીખવાશે. આ અભ્યાસક્રમ મુખ્યત્વે નિઃશુલ્ક ઓનલાઇન સંસાધનોના માધ્યમથી ચલાવવાનો પ્રસ્તાવ છે.બીજા તબક્કામાં એક લાખ વિદ્યાર્થીઓને 25 કલાકનો ‘એ.આઈ. ફોર ડોમેન એપ્લિકેશન્સ’ અભ્યાસક્રમ અપાશે. તેમાં વિદ્યાર્થીઓ જે વિદ્યાશાખામાં અભ્યાસ કરતા હોય તે ક્ષેત્રમાં એ.આઈ.નો વ્યવહારુ ઉપયોગ શીખવવામાં આવશે.ત્રીજા તબક્કામાં 20 હજાર વિદ્યાર્થીઓને 50 કલાકની અદ્યતન અને પ્રોજેક્ટ આધારિત તાલીમ આપવામાં આવશે. તેમાં વિશેષ કૌશલ્યો, ડેટા સંચાલન, ઉદ્યોગલક્ષી કેસ સ્ટડી, પ્રાયોગિક તાલીમ, પ્રોજેક્ટ તૈયાર કરવા અને અંતિમ મૂલ્યાંકનનો સમાવેશ થશે.આ તાલીમમાં વાણિજ્ય, મેનેજમેન્ટ અને ફાઇનાન્સ, એન્જિનિયરિંગ અને ટેક્નોલોજી, કલા અને માનવવિદ્યા, વિજ્ઞાન અને ગણિત, શિક્ષણ અને શિક્ષક તાલીમ, કૃષિ અને સંલગ્ન વિજ્ઞાનો, આરોગ્ય અને જીવનવિજ્ઞાન તેમજ કાયદા સહિતનાં ક્ષેત્રોને આવરી લેવાનું આયોજન છે.અભ્યાસક્રમ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ઉપલબ્ધ કરાવાશે. એ.આઈ.દ્વારા તૈયાર કરવામાં આવેલા જવાબો કે માહિતીની ચકાસણી કર્યા વિના તેને સ્વીકારી ન લેવાની બાબત પર પણ ભાર મૂકવામાં આવશે. વિદ્યાર્થીઓમાં એ.આઈ.નો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની સમજ વિકસે અને વિવિધ ક્ષેત્રોને અનુરૂપ સાવચેતી જળવાય તે દિશામાં અભ્યાસક્રમ તૈયાર કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application