અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાં એક નાનું મેડિકલ વિમાન ઉડાન ભારતની સાથે જ ક્રેશ થઈ ગયું હતું અને પ્લેન કાટમાળમાં ફેરવાઈ ગયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ચારેય લોકોના મોત થયા. અધિકારીઓએ પુષ્ટિ આપી કે આ અકસ્માત રુઈડોસો વિસ્તારની બહાર થયો હતો. લિંકન કાઉન્ટીના મેનેજર જેસન બર્ન્સે જણાવ્યું હતું કે દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને આ મામલાની તપાસ ચાલી રહી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, વિમાન રોઝવેલ એર સેન્ટરથી ઉડાન ભરીને સીએરા બ્લાન્કા રિજનલ એરપોર્ટ જઈ રહ્યું હતું.
દુર્ઘટના પછી પાંચ એકર વિસ્તારમાં ભારે આગ ભભૂકી
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. એફએએ અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ અકસ્માતની તપાસ કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા પછી જ ક્રેશનું ચોક્કસ કારણ બહાર આવશે. ક્રેશ પછી આ વિસ્તારમાં આગ પણ લાગી હતી. લિંકન કાઉન્ટી વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, યુએસ ફોરેસ્ટ સર્વિસ, સ્થાનિક એજન્સીઓ સાથે મળીને આગને કાબુમાં લેવા માટે કામ કરી રહી છે. આગ લગભગ પાંચ એકર વિસ્તારને આવરી લેતી હોવાનું કહેવાય છે.
ભારે પવનને કારણે આગ વધુ વિસ્તરતા ભય
અકસ્માત સમયે, દક્ષિણ ન્યૂ મેક્સિકોમાં હવામાન અત્યંત ગરમ અને સૂકું હતું, અને રુઈડોસો વિસ્તાર માટે 'રેડ ફ્લેગ'એટલે કે આગ ફેલાવાના જોખમ અંગે ચેતવણી જારી કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓછો ભેજ અને તીવ્ર પવનોને કારણે આગ ફેલાવાનું જોખમ વધ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાક 56 કિલોમીટર સુધી પહોંચી શકે છે. 8,000 થી ઓછી વસ્તી ધરાવતું પર્વતીય શહેર રુઈડોસો, દક્ષિણ-મધ્ય ન્યૂ મેક્સિકોમાં સીએરા બ્લાન્કા પર્વતમાળાની તળેટીમાં આવેલું છે. આસપાસનો વિસ્તાર ગાઢ જંગલો અને ગ્રામીણ વિસ્તારોથી ઘેરાયેલો છે, જેમાં લિંકન નેશનલ ફોરેસ્ટનો સમાવેશ થાય છે.
18 મહિનામાં પ્લેન ક્રેશની અનેક ઘટના
છેલ્લા 18 મહિનામાં યુનાઇટેડ સ્ટેટ્સમાં મેડિકલ એરક્રાફ્ટને લગતા ઘણા મોટા પ્લેન ક્રેશ થયા છે. જાન્યુઆરી 2025 માં, ફિલાડેલ્ફિયામાં એક જેટ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું, જેમાં આઠ લોકો માર્યા ગયા હતા. ગયા વર્ષે, એક યુવાન દર્દી સહિત આઠ લોકોને લઈ જતું મેક્સીકન નેવીનું વિમાન ટેક્સાસના દરિયાકાંઠે મેક્સિકોના અખાતમાં ક્રેશ થયું હતું.