BREAKING NEWS

૩૧મી ડિસેમ્બરની ઉજવણીને લઈ રાજ્યભરની પોલીસ 'હાઈ એલર્ટ'

  • December 29, 2025 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ ૨૦૨૫ને વિદાય આપવા અને નવા વર્ષ ૨૦૨૬ને આવકારવા માટે રાજ્યભરના નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૩૧મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ વડાની સૂચના અનુસાર, શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી ૩૧મી ડિસેમ્બરની રાત્રે દારૂની મહેફિલો પર પોલીસની બાજ નજર રહેશે. રાજ્યની આંતરરાજ્ય સરહદો (બોર્ડર) પર વાહનોનું સઘન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને હાઈવે પર અને શહેરના મુખ્ય માર્ગો પર પોલીસ દ્વારા બેરિકેડ્સ લગાવીને ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ની સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે. શંકાસ્પદ વાહનચાલકોની તપાસ માટે પોલીસે બ્રેથ એનેલાઈઝર સાથે ટીમો તૈનાત કરી છે.


રાજ્યના મહાનગરની આસપાસ વિસ્તારોની આસપાસ આવેલા ફાર્મહાઉસ અને પાર્ટી પ્લોટોમાં થતી ખાનગી પાર્ટીઓ પર પોલીસ ડ્રોન કેમેરા અને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા નજર રાખશે. જો કોઈ પણ જગ્યાએ દારૂની મહેફિલ જામશે અથવા નિયત સમય મર્યાદા બાદ લાઉડ સ્પીકર વગાડવામાં આવશે, તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારને બક્ષવામાં આવશે નહીં.

મહિલા સુરક્ષા અને ટ્રાફિક નિયમન કરાશે.


નવા વર્ષની ઉજવણીમાં મહિલાઓની સુરક્ષાને અગ્રતા આપવામાં આવી છે. ભીડભાડવાળી જગ્યાઓ, મોલ અને સીજી રોડ કે સિંધુ ભવન જેવા જાણીતા પોઈન્ટ્સ પર 'શી-ટીમ' ને સાદા ડ્રેસમાં પોલીસકર્મીઓ તૈનાત રહેશે, જેથી છેડતી જેવા બનાવો રોકી શકાય. આ ઉપરાંત, બાઈક પર સ્ટંટ કરતા યુવાનો અને ઓવરસ્પીડિંગ કરતા વાહનોને પકડવા માટે ટ્રાફિક પોલીસે ખાસ ઈન્ટરસેપ્ટર વાનો રોડ પર ઉતારી છે.


પોલીસ વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ નવા વર્ષની ઉજવણી ઉત્સાહથી કરે પરંતુ કાયદાના દાયરામાં રહીને. નશાની હાલતમાં વાહન ચલાવવું એ તમારા અને બીજાના જીવ માટે જોખમી છે. શાંતિપૂર્ણ ઉજવણીમાં પોલીસને સહકાર આપવા માટે જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. ૩૧મીની રાત્રે પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે અને કંટ્રોલ રૂમ પણ ૨૪ કલાક કાર્યરત રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News