ગોંડલમાં બે ચોરાઉ બાઇક સાથે બે શખસોને ઝડપી લેતી પોલીસ
ગોંડલમાં બે ચોરાઉ બાઇક સાથે બે શખસોને ઝડપી લેતી પોલીસ
August 01, 2026 09:50 AM
ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે જામવાડીમાં રહેતા અને બગસરામાં રહેતા બે શખસોને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધા હતા. આ બંને શખસોએ ગોંડલમાં બસ સ્ટેન્ડમાંથી બાઇક ચોરી કર્યાની કબુલાત આપી હતી. રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા અનડીટેક ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હોય જેને લઇ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જી.એસ. ગઢવીની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ડામસિયા અને પરેશભાઈ બારૈયાને મળેલી હકીકતના આધારે ગોંડલમાં જામવાડી પેટ્રોલ પંપ પાસે રહેતા મૂળ વાંકાનેરના વતની વિક્રમ રાજુભાઈ સોલંકી નામના શખસને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખસ પાસેથી બાઈકના કાગળો માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જેથી પોલીસે તેની સઘન પૂછતાછ કરતા આ શખસે ગત તા. 23/7/2026 ના ગોંડલમાં બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી આ બાઈક ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી પોલીસે રૂપિયા 15,000 નું આ બાઈક કબજે કરી ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલ નાખ્યો હતો. ગોંડલ બી ડિવિઝન પોલીસે અન્ય એક કામગીરીમાં બગસરામાં મેઘાણી હાઇસ્કુલ પાછળ તિરૂપતિનગરમાં મારુતિધામ-૨ માં રહેતા વિપુલ શામજીભાઈ કાછડીયાને શંકાસ્પદ બાઈક સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા તે સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેથી પોલીસે આગવી ઢબે પૂછતાછ કરતા આ બાઈક તેણે ગઈ તા. 28/07/2026 ના ગોંડલ બસ સ્ટેન્ડના પાર્કિંગમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે રૂપિયા 25,000 ની કિંમતનુ આ બાઇક કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વાહન ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલવાની આ કામગીરીમાં ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જી.એસ. ગઢવીની રાહબરી હેઠળ એસઆઇ આર.ટી. પરમાર, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાઠોડ, કોન્સ્ટેબલ અલ્પેશભાઈ ડામસિયા, પરેશભાઈ બારૈયા, નિલેશભાઈ ભાદરકા, હેડ કોન્સ્ટેબલ જાગૃતિબેન ડાંગર સાથે રહ્યા હતા.