BREAKING NEWS

મૃતકના ખિસ્સામાંથી રોકડ કાઢી લેવા સહિતની ઘટના બાદ સિવિલ હોસ્પિટલમાં પોલીસનું ચેકિંગ, પડયાપાથર્યા રહેતા શખસોને કડક તાકીદ

  • January 19, 2026 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં મારમારી અને ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. થોડા દિવસો પૂર્વે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહના ખિસ્સામાંથી રોકડ રૂ.૧૯ હજારની રકમની ચોરીની શરમજનક ઘટના બની હતી. ત્યારે સિવિલ હોસ્પિટલમાં પોલીસ પેટ્રોલીંગ વધરાવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે. આ વચ્ચે આજરોજ પ્ર.નગર પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં વગર કારણે પડયાપાથર્યા રહેતા શખસોને પોલીસે કડક તાકીદ કરી હતી.


આજરોજ પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવાની રાહબરી હેઠળ પોલીસની ટીમે સવારે સિવિલ હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું. હોસ્પિટલ સંકુલમાં અલગ અલગ સ્થળોએ પોલીસની ટીમે જઇ તપાસ કરી હતી. અહીં હોસ્પિટલમાં કારણ વગર પડયાપાથર્યા રહેતા શખસો અંગે ખરાઇ કરી તેમને અહીંથી ન બેસવા માટે કડક તાકીદ કરી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ નિદાન અને સારવાર માટે આવતા હોય છે જેથી અહીં મોટાભાગે ભારે ભીડ રહેતી હોય છે. આ સ્થિતિમાં અહીં મોબાઇલ અને પર્સની ચોરી થવાના બનાવો સમયાંતરે બનતા રહે છે એટલું જ નહીં પાર્કિંગમાંથી બાઇકની ચોરી થવાના બનાવો પણ બનતા રહે છે. આ ઉપરાંત હોસ્પિટલ સંકુલમાં દર્દીઓના સગા વચ્ચે મારમારી સહિતના બનાવો બનતા હોય છે તેમજ અહીં પડયાપાથર્યા રહેતા શખસો પૈકી કેટલાક ન્યુસન્સ ફેલાવતા હોય છે આ તમામ સ્થિતિ વચ્ચે પોલીસ અહીં પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગણી ઉઠવા પામી હતી. જેના પગલે પ્ર.નગર પોલીસે આજરોજ સવારના સુમારે અહીં ચેકિંગ કર્યું હતું. પોલીસ દ્વારા આ રીતે સમયાંતરે ચેકિંગ કરવામાં આવશે તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application