ગોગો રોલ, સ્મોકિંગ કોન સહિતના પર સંપૂર્ણપણે પ્રતિબંધના જાહેરનામા બાદ રાજકોટ શહેર જિલ્લામાં એસઓજી- સ્થાનિક પોલીસનું કડક ચેકિંગ: જંગલેશ્વર, પટેલનગરમાં પાનની દુકાનેથી પેપર- પટ્ટી સહિતનો જથ્થો મળ્યો
રાજયને નશામુકત બનાવવાની નેમ અંતર્ગત ગૃહ વિભાગ દ્વારા હાલમાં ચલણમાં નશો કરવા માટે ઉપયોગમાં લેવાતા ગોગો પેપર, સ્મોકિંગ કોન સહિતના પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવાયો છે. જે અંગે ગઇકાલે ગૃહ વિભાગે જાહેરનામુ બહાર પાડયા બાદ પોલીસ દ્વારા તેની કડક અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લાની પોલીસ દ્વારા પણ ગોગો પેપરના સંભવિત વેચાણવાળી પાનની દુકાને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ શહેર પોલીસે બે પાનની દુકાનોએથી ગોગો સ્મોકીંગ રોલ અને પટ્ટી કબજે કરી ગુના દાખલ કર્યા છે.જયારે ગ્રામ્ય એસઓજીની ટીમે જસદણ અને શાપરમાં પાનના ધંધાર્થીની દુકાનમાંથી ગોગો પેપર,રોલ, કોન સહિતનો મુદામાલ કબજે કર્યો છે.
નો ડ્રગ્સ ઇન ગુજરાત તથા નશામુક્ત ગુજરાત અભીયાન અંતર્ગત હાલમાં રાજ્યમાં સગીર-યુવાનો દ્રારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલીંગ પેપર,ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થની અંદર ટાઇટેનીયમ,ઓક્સાઇડ, પોટેશીયમ નાઇટ્રેટ, આર્ટીફીશયલ ડાય, કેલ્શીયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થ હોય છે. જે માનવ સ્વાસ્થય માટે ખુબ જ હાનીકારક છે. આવા રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પાન પાર્લર, પરચુરણ કરીયાણાની દુકાનો તથા ચાની દુકાનદારો વિગેરે ઉપરથી મળી રહેતા હોય છે. જેના પરિણામે યુવા વર્ગમાં નશો કરવાની વતિમાં વધારો થાય છે.
આ બાબતને ધ્યાને લઇ રોલીંગ પેપર, ગોગો સ્મોકીંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલ પાન પાર્લર, ચાની દુકાનો, છુટક કરીયાણાની દુકાનો વિગેરેમાં વેચાણ ન થાય તે બાબતે ગુજરાત સરકાર ગૃહ વિભાગ ગાંધીનગર દ્રારા જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જેને લઇ રાજયભરની પોલીસે દ્વારા કડક અમલવારી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલની રાહબરીમાં શહેર પોલીસ દ્વારા ગોગો પેપરના વેચાણને અટકાવવા અને ગોગો પેપરનું વેચાણ કરનાર શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ચેકિંગ ઝુંબેશ શરૂ હાથ ધરી છે.
એસઓજી પીઆઇ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ એસઓજીની અલગ અલગ ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી પાનની દુકાનો સહિતના સ્થળોએ આજરોજ સવારથી ચેકિંગ કરવામાં આવ્યું હતું. જયારે ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ ટીમે તપાસ હાથ ધરી ગોગો પેપરના બે ગુના દાખલ કર્યા છે. જેમાં શહેરના પટેલનગર શેરી નં.૨ ના ખૂણા પાસે ગોપાલ પાન નામની દુકાનમાં ચેકિંગ કરતા અહીંથી ગોગો સ્મોકીંગ રોલ નંગ.૩૨ કિ.રૂ.૩૦૦ મળી આવતા આ અંગે દુકાન સંચાલક નરેન્દ્ર લક્ષ્મણભાઇ જાનીયાણી(ઉ..વ. ૪૧ રહે. કોઠારીયા કોલોની બગીચાની સામે કવાર્ટર નં. ૫૪૭) સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધ્યો છે.જયારે જંગલેશ્વર મેઇન રોડ પર હુશેની ચોક પાસે આવેલી કાદરી પાન નામની દુકાનમાં તપાસ કરતા અહીંથી ગોગો સ્મોકીંગ રોલની ૩૪ પટ્ટી કિં.રૂ. ૩૪૦ મળી આવતા આ અંગે દુકાન સંચાલક રહીશ અહેમદ જીલાણી(ઉ.વ. ૬૦ રહે. રામનાથપરા ઝુમા મસ્જિદ પાસે) સામે ગુજરાત રાજય સરકાર ગૃહ વિભાગ ગાંધીગનરના જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધ્યો હતો. શહેર પોલીસ દ્વારા અગામી સમયમાં પણ આ જ પ્રકારે ચેકિંગ કાર્યવાહી કરવામાં યથાવત રહેશે.
ગ્રામ્ય એસઓજીએ જસદણ અને શાપરમાં પાન ગલ્લેથી રોલ,કોનનો જથ્થો કબજે કર્યો
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ રાજકોટ જિલ્લાની પોલીસ ગોગો પેપરના વેચાણને અટકાવવા ચેકિંગ કરી રહી છે. ત્યારે એસ.ઓ.જીના પીઆઇ એફ.એ.પારગીની રાહબરી હેઠળ એસ.ઓ.જી શાખાના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી જિલ્લાભરમાં પાનના ગલ્લા કે દુકાનદારોને ચેક કરવાની કામગીરી હાથ ધરી હતી.
દરમિયાન જસદણ નવા બસટેન્ડ આગળ ક્રિષ્ના કોમ્પલેક્ષમાં બ્લુ સ્ટાર પાનના ગલ્લે ચેક કરતા શાહનવાજ ઉર્ફે સાનુ હારૂનભાઇ આકબાણી (રહે, જસદણ છત્રી બજાર) ના પાનના ગલ્લેથી પ્રે રોલ ગોગ કોન નંગ ૬૧ તથા કેપ્ટન ગોગો ટુ રોલીંગ પેપર નંગ ૧૦૫ અને એક કેપ્ટન ગોગો રોલીંગ પેપરનું પેકેટ સહિત રૂ.૨,૦૬૫ ના જથ્થો મળી આવ્યો હતો.જેથી આ શખસ સામે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.જયારે શાપરમાં પટેલ વિહાર રેસ્ટોરન્ટ બાજુમાં આવેલા રાધે ડિલકસ પાનના ગલ્લે ચેક કરતા અહીંથી કેપ્ટન કોકો કોન નં. ૧૫, સ્ટામ પ્રો. પેપર(પટ્ટી) નંગ ૬૦, રોલીંગ પેપર નંગ ૫ મળી કુલ રૂ. ૭૫૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે દુકાનના સંચાલક કરૂણાકર અમુલ્યકુમાર બહેરા(ઉ.વ. ૪૦ રહે. શાપર ભકિતધામ સોસાયટી શેરી નં.૩,) સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એસઓજી પીએસઆઇ કે.એમ.ચાવડા, પી.બી.મિશ્રા,એ.એસ.આઇ વિપુલભાઇ ગુજરાતી, હેડ.કોન્સ શિવરાજભાઇ ખાચર,વિજયભાઇ વેગડ, પ્રહલાદસિંહ રાઠોડ,ચંદુભાઇ પલાળીયા, નૈમિષભાઇ મહેતા,અનિરૂધ્ધસિંહ જાડેજા, રામદેવસિંહ ઝાલા,કોન્સ વિજયગીરી ગૌસ્વામી,ચીરાગભાઇ કોઠીવાર, હિંમતસિંહ પાલ, વિપુલભાઇ ગોહીલ, નવદીપભાઇ બાબરીયા, નિર્મળસિંહ ચુડાસમા દ્રારા કરવામાં આવ્યા છે.