BREAKING NEWS

મનપામાં પોલીસની હેલ્મેટ ચેકિંગ ડ્રાઇવ; સ્ટે.ચેરમેને સીપીને કોલ કરીને બંધ કરાવી

  • January 31, 2026 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાનગરપાલિકાની મુખ્ય સેન્ટ્રલ ઝોન કચેરી સંકુલની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા આજે સવારથી હેલ્મેટ ચેકિંગ ડ્રાઇવ શરૂ કરાતા કરદાતાઓ, અરજદારો અને કર્મચારીઓમાં દેકારો બોલી ગયો હતો, દરમિયાન વેરો ભરવા આવેલા અમુક કરદાતાઓએ આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરએ તુરંત આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર કોલ કરી ડ્રાઇવ બંધ કરાવી હોવાનું જાણવા મળે છે.

કરદાતાઓ અને અરજદારો તરફથી ફરિયાદ મળતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરએ રાજકોટ શહેર પોલીસ કમિશનરને કોલ કરી મહાપાલિકા કચેરી સંકુલની અંદર હેલ્મેટ ચેકિંગ ડ્રાઇવ કરવા કોઇ સુચના છે ? તેવી પૃચ્છા કરી કરદાતાઓ અને અરજદારોને હાલાકી થઇ રહી તેવી રજૂઆત કરીને કચેરી સંકુલ બહાર જાહેરમાર્ગ ઉપર ચેકિંગ કરવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો. જેના પગલે ટ્રાફિક પોલીસની ટીમ ત્વરિત કચેરી સંકુલ બહાર રવાના થઇ હતી અને કોર્પોરેશન ચોક વિસ્તારમાં ચેકિંગ શરૂ કર્યું હતું.અલબત્ત ખુલતી કચેરીએ શરૂ કરાયેલી ચેકિંગ ડ્રાઇવ બંધ કરાઇ ત્યાં સુધીમાં ૩૦થી ૩૫ કરદાતાઓ અને અરજદારો તેમજ અમુક કર્મચારીઓ પણ દંડાયા હતા.


ટ્રાફિક પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઇ

સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરને કરદાતાઓને કચેરીની અંદર દંડવામાં આવી રહ્યાની ફરિયાદ મળતા તેઓ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર દોડી ગયા હતા અને કચેરી બહાર કામગીરી કરવા જણાવ્યું હતું, આ મુદ્દે ટ્રાફિક પોલીસ સાથે તેમને બોલાચાલી પણ થઇ હતી. કહેવા છતાં ટ્રાફિક પોલીસ બહાર નહીં જતા અંતે સીપીને કોલ કર્યો હતો તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

દંડાયા તેને વેરો ભરવામાં પૈસા ઘટ્યા !

સેન્ટ્રલ ઝોન કચેરીમાં મિલકત વેરો ભરવા માટે ટુ વ્હીલર ઉપર હેલ્મેટ પહેર્યા વિના આવેલા કરદાતાઓ દંડાયા હતા, તમામને રૂ. ૫૦૦નો દંડ કરાયો હતો, કરદાતાઓએ દંડ તો ચૂકવી આપ્યો હતો પરંતુ આવા દંડાયેલા કરદાતાને પછી મિલકતવેરો ભરવામાં પૈસા ઘટ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application