તાજેતરમાં રાજકોટ ગ્રામ્યમાં અને શહેરના અણિયારી ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું હતું. આજીડેમ પોલીસે અહીંથી કરોડોની કિંમતના ગાંજાના છોડ અને સૂકો ગાંજો કબ્જે કરી વાવેતર કરનાર ભાગીયાની ધરપકડ કરી હતી. જે બાદ હવે પોલીસ દ્વારા શહેરના છેવાડાના વાડી વિસ્તારોમાં ડ્રોન મારફતે સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે.
શહેરના છેવાડાનું એરપોર્ટ પોલીસ મથકમાં મોટાભાગે ગામડા અને વાડી વિસ્તારો આવતા હોય અહીં દારૂ-જુગારથી માંડી ગાંજાના વાવેતર સહિતની પ્રવૃત્તિઓ થતી હોવાની શંકાએ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ દ્વારા ડ્રોન સર્વેલન્સ મારફતે વાડી વિસ્તારોમાં નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ ઇલાબેન સાવલિયાના માર્ગદર્શન હેઠળ એરપોર્ટ પોલીસ મથકના કર્મચારીઓ અને એસઓજીની ડ્રોન સ્કવોડ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું.
અહીં એરપોર્ટ પોલીસ મથકના ગુંદાળા, બેડલા, બારવણ સહિતના છેવાડાના ગામડા અને દુર્ગમ વિસ્તારોમાં ડ્રોન દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા ગાંજાના વાવેતર ઉપરાંત દારૂ-જુગાર સહિતની બદી અંગે પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે, ડ્રોન સર્વેલન્સ દરમિયાન કશું જ શંકાસ્પદ મળી આવ્યું ન હતું.